(એજન્સી) કોલકાતા, તા. ૬
કલકત્તા હાઇકોર્ટની સિંગલ બેંચે ભાજપના અધ્યક્ષ અમિત શાહની કૂચબિહારથી પ્રસ્તાવિત ‘રથયાત્રા’ને પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ગુરૂવારે કલકત્તા હાઇકોર્ટને રાજ્ય સરકારના એટોર્ની જનરલે જણાવ્યું હતું કે, અમિત શાહની રથયાત્રા અને રેલીઓથી કોમી તંગદિલી ઉત્પન્ન થઇ શકે છે. કોર્ટે હવે આ મામલે સુનાવણી આગામી નવ તારીખે મુલત્વી રાખી છે. એટોર્ની જનરલ કિશોર દત્તાએ અદાલતને જણાવ્યું હતું કે, કૂચબિહારના પોલીસ અધિક્ષકે શુક્રવારની ભાજપ અધ્યક્ષ અમિત શાહની પ્રસ્તાવિત રથયાત્રાને પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો છે. ભાજપ કૂચબિહાર ઉપરાંત દક્ષિણ ૨૪ પરગણા અને બીરભૂમ જિલ્લામાં રેલીઓ આયોજિત કરવાનો હતો. કોર્ટે આને પણ હાલમાં સ્થગિત કરી દીધી છે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજ્યમાં પાર્ટીની ‘લોકતંત્ર બચાવો રેલી’ આયોજિત કરવાના કાર્યક્રમ કરવાના છે જેમાં ત્રણ ‘રથયાત્રા’ સામેલ છે. રાજ્ય સરકારેકોર્ટને જણાવ્યું હતું કે, આ યાત્રાથી કોમી તંગદિલી ઉત્પન્ન થઇ શકે છે. દત્તાએ કહ્યું કે, જિલ્લામાં કોમી તંગદિલીનો ઇતિહાસ રહ્યો છે અને ત્યાં એવી માહિતી છે કે, કોમવાદની ઉશ્કેરણી કરનારા કેટલાક લોકો અને ઉપદ્રવીઓ પહેલાથી જ સક્રીય છે. એસપી દ્વારા ઇન્કાર કરવા સંબંધી પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપનાી ટોચના નેતાઓ સાથે-સાથે અન્ય રાજ્યોમાંથી પણ લોકોએ કૂચબિહાર આવવાની યોજના ઘડી છે. પત્રમાં ભાર મુકવામાં આવ્યો છે કે, આનાથી જિલ્લાની સાંપ્રદાયિક સંવેદનશીલતાને અસર થઇ શકે છે. અહીંની સ્થાનિક સ્થિતિને જોતાં પરવાનગી આપવાના નિર્ણયને એક વહીવટી નિર્ણય ગણાવતા એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, મામલાની ગંભીરતાને જોતા તેની વિગતો ખુલ્લી અદાલતમાં આપી શકાય તેમ નથી. જો નિર્દેશ આપવામાં આવે તો તેઓ એક સીલબંધ કવરમાં અદાલતને સોંપી શકે છે. બીજી તરફ ભાજપે ન્યાયાધીશ તપબ્રત ચક્રવર્તીને દલીલ કરી હતી કે, તે શાંતિપૂર્ણ રીતે યાત્રા કરશે. ભાજપ પોતાની ત્રણ રેલીઓ માટે અદાલતમાં ગઇ હતી. આ અંગે અદાલતે પુછ્યું હતું કે કોઇ અપ્રિય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે ? આ અંગે ભાજપના વકીલ અનિન્દ્ય મિત્રાએ કહ્યું કે, પાર્ટી શાંતિપૂર્ણ રીતે રેલીઓ આયોજિત કરશે પણ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી તો રાજ્ય સરકારની છે. મિત્રાએ કહ્યું કે, બંધારણ રાજકીય કાર્યક્રમ યોજવાના અધિકારની ગેરંટી આપે છે. કોઇ અપ્રિય ઘટનાની આશંકાના આધારે ઇન્કાર કરી શકાય નહીં. ન્યાયાધીશે પુછ્યું કે, શું તેઓ આને સ્થગિત કરવા માટે તૈયાર છે ત્યારે નકારાત્મક જવાબ આપતા મિત્રાએ કહ્યું કે, આની તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી છે અને પરવાનગી માટે ઓક્ટોબરમાં જ વહીવટીતંત્રનો સંપર્ક કરાયો હતો.