અમદાવાદ શહેરમાં ત્રણ મોટા તહેવારો ટાંકણે નીકળતા જુલૂસ કોમી એકતા અને ભાઈચારાની અનેરી મિશાલ પૂરી પાડે છે. ઈદેમિલાદનો જુલૂસ, મહોર્રમનો જુલૂસ અને રથયાત્રા ટાણે બંને કોમના લોકો એકબીજાના  જુલૂસનું જે ઉમળકાથી સ્વાગત કરતા આવ્યા  છે અને બે કોમ વચ્ચે પ્રેમ સોહાર્દની લાગણી જન્મે તેવા પ્રયાસો બંને તરફથી થતા આવ્યા છે. ઈદેમીલાદ કમિટી દ્વારા  દર વર્ષે જગન્નાથ મંદિરના મહંતને સીદી સઈદની જાળીની ચાંદીની પ્રતિકૃતિ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઈદેમીલાદ કમિટી અને તાજિયા કમિટી દ્વારા  ચાંદીની સીદી સઈદની જાળીમાં સોનાનું પાણી ચઢાવી તેમાં જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ પણ મુકી છે. ઉપરાંત લાકડાની ફ્રેમમાં મોતીની કારીગીરી પણ  કરવામાં આવી હોવાનું ઈદેમીલાદ કમિટીના જનરલ સેક્રેટરી હબીબ મેવએ જણાવ્યું છે. આ કલાકૃતિ ઈકબાલ બેલીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ  મોમેન્ટો રથયાત્રાના દિવસે જગન્નાથ મંદિરના  મહંતને મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રફીકનગરી, ઈદેમીલાદ કમિટીના  ચેરમેન મોહમ્મદ હુસેન શેખ, જાવેદ સાકીવાલા, જી.પી. ચાવાલા તેમજ કમિટીના સભ્યો દ્વારા  આપવામાં આવશે.