(સંવાદદાતા દ્વારા) જામનગર, તા. ૧૧
જામનગર શહેરમાં સ્ટ્રીટ લાઈટોના ધાંધિયાના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાયેલી છે. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ગફારભાઈ ખફીએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા સુચારૃરૃપે ચાલે તે માટે કડક પગલાં લેવા માંગણી કરી છે.
આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં છેલ્લા ૬ મહિનાથી તો અંધકારરૂપી વાદળો છવાઈ ગયા છે. આખા શહેરમાં લાઈટના પ્રશ્નોનું ક્યાંય નિરાકરણ જોવા મળતું નથી. લોકોની વારંવાર ફરિયાદ હોવા છતાં અધિકારીઓ સરખા જવાબ આપતા નથી. આના ઉપરથી એવું લાગે છે કે, અધિકારીઓ કંપની કે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી રહ્યા છે જેનું પરિણામ જામનગરની પ્રજા ભોગવી રહી છે. લાઈટની ઓનલાઈન ૧૦૦૦ કરતા પણ વધારે ફરિયાદો હોવા છતાં પણ લોકોના મોબાઈલમાં ‘કમ્પ્લેઈન સોલ્વ’ના મેસેજ આવી જાય છે ?
થોડા સમયમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, જ્યારે લોકો મોડે સુધી બહાર ફરવા નીકળતા હોય તે ઉપરાંત વહેલી સવારે મંદિરોમાં દર્શનાર્થે જતા હોય ત્યારે સુરક્ષા સંદર્ભે વીજ સુવિધા જરૂરી હોય છે. જેથી કરીને નાગરિકોને તહેવારોમાં અંધકારમાં ઉજવવા ન પડે તેની કાળજી રાખી તાત્કાલિક ધોરણે સમગ્ર શહેરમાં બંધ પડેલી લાઈટો ચાલુ કરવાની જરૂર છે. જામનગર મહાનગર કોર્પોરેશનમાં જે નવા નગરસીમ વિસ્તારો ભળેલા છે. તેમાં તો માત્ર ને માત્ર પાંચ ટકા લાઈટનું કામ થયું છે. તેને લીધે રાત્રિના સમયે સાપ, વીંછી, જેવા અનેક જીવજંતુ રાત્રિના સમયે લોકોના ઘર સુધી પહોંચી જતા હોય છે.