(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભત્રીજા રતુલ પુરીની બેંક સાથે ૩૫૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. મોજર બેયરના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રતુલ પુરીની મની લોન્ડરિંગ નિવારણ કાયદા (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ સોમવારે મોડી રાત્રે ધરપકડ કરાઇ છે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે સ્પષ્ટતા કરતા પત્રકારોને જણાવ્યું કે આ મામલા સાથે તેમનો કોઇ સંબંધ નથી. સાથે જ કમલનાથે ઇડીના આ પગલાને રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત પગલું ગણાવ્યું છે. કમલનાથને આ મુદ્દા અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ‘જે બિઝનેસ રતુલ પુરીનો પરિવાર કરી રહ્યો છે, તેની સાથે મારા કોઇ લેવા-દેવા નથી. ન તો હું તેમની કંપનીમાં શેરહોલ્ડર છું અને ન તો ડિરેક્ટર છું. આ સંપૂર્ણ પણે દુર્ભાવનાપૂર્ણ રીતે લેવામાં આવેલું પગલું છે. મને સંપૂર્ણ ભરોસો છે કે કોર્ટ આ મામલામાં યોગ્ય વલણ અપનાવશે અને પગલા ભરશે.’
સીબીઆઇએ રવિવારે બેંક કૌભાંડ કેસમાં એફઆઇઆર નોંધી હતી અને કંપનીના વર્તમાન તેમ જ ભૂતપૂર્વ ડિરેક્ટર્સની ઓફિસો તેમ જ નિવાસસ્થાનો સહિત છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એફઆઇઆરમાં પુરી, મોજર બેયર કંપની અને એમડી અને રતુલના પિતા દીપક પુરી સહિત કંપનીના અન્ય ચાર ડિરેક્ટર નીતા પુરી, સંજય જૈન અને વિનીત શર્માના નામ આપવામાં આવ્યા છે. અધિકારીઓને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે તેઓની સામે ગુનાઇત કાવતરા, છેતરપિંડી, ફોર્જરી અને ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. બેંકના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રતુલે ૨૦૧૨માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું હતું પરંતુ તેના માતા-પિતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચાલુ રહ્યા હતા.