નવી દિલ્હી,તા.૧૬
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને સહયોગી સ્ટાફના પદ માટે ફરી અરજી લેશે. તે માટે એક-બે દિવસમાં તારીખની જાહેરાત કરવામાં આવશે. હાલના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ વેસ્ટઈન્ડિઝ ટૂરને ધ્યાનમાં રાખીને કોચનો કાર્યકાળ ૪૫ દિવસ માટે વધારી દેવામાં આવ્યો હતો. હવે રવિ શાસ્ત્રીએ પણ કોચ માટે ફરી અરજી કરવી પડશે.
ટીમ ઈન્ડિયાની વેસ્ટઈન્ડિઝ ટૂર ૩ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધીની છે. તે સાથે જ બોલર્સ કોચ ભરત અરુણ, બેટ્સમેન કોચ સંજય બાંગડ અને ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરનો પણ કાર્યકાળ પૂરો થઈ જશે. આ દરેક લોકો ફરીથી અરજી કરી શકે છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના ટ્રેનર શંકર બસુ અને ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ વર્લ્ડ કપ પછી તેમનું પદ છોડે તેવી શક્યતા છે. તેમની જગ્યાએ નવા ટ્રેનર અને ફિઝિયોની નિમણૂક કરવામાં આવશે.
ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ ટૂર્નામેન્ટ પછી સ્થાનિક સીરીઝમાં ૧૫ સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે રમશે. તે પહેલાં નવા કોચ અને સહયોગી સ્ટાફની નિમણૂક થઈ જશે તેવી શક્યતા છે. શાસ્ત્રી ૨૦૧૭માં અનિલ કુંબલેની જગ્યાએ કોચ બન્યા હતા. તેમના કોચિંગમાં ભારતીય ટીમ આઈસીસીની કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. તેમાં વર્લ્ડ કપ પણ સામેલ છે. જોકે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરીઝ જીતવામાં ચોક્કસથી સફળતા મળી છે.
બીસીસીઆઈ નવા કોચની શોધમાં, રવિ શાસ્ત્રીએ ફરી અરજી કરવી પડશે

Recent Comments