નવી દિલ્હી, તા.૧૮
ભારતીય ટીમનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે વિશ્વ કપ માટે ૧૫ સભ્યોની ટીમની પસંદગી કરવાની અનુમતિ હતી, પરંતુ તેઓ ૧૬ સભ્યોની ટીમ પસંદ કરવા ઇચ્છતા હતા. શાસ્ત્રીએ કહ્યું કે, “જે ખેલાડી વિશ્વ કપ ટીમમાં પસંદગી પામ્યા નથી તેમણે નિરાશ થવાની જરૂર નથી.” એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ૩૦મેથી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં શરૂ થનારા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ માટે સોમવારનાં ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી. શાસ્ત્રીએ કહ્યું કે, “પરિસ્થિતિ અને પ્રતિસ્પર્ધીને જોતા નબંર-૪નું સ્થાન ઘણું મહત્વનું છે.”રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “ઇંગ્લેન્ડ છેલ્લા ૨ વર્ષથી શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. તેમની પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. તેમની બેટિંગ અને બૉલિંગમાં ધાર છે. ઘરેલૂ મેદાન પર રમતા હોવાના કારણે તેઓ પ્રમુખ દાવેદાર છે.” શાસ્ત્રીએ સાથે સાથે કહ્યું કે, “ઘણી એવી ટીમો છે જે કોઇપણ દિવસે કોઇપણને હરાવી શકે છે. વિશ્વ કપ જેવી ટૂર્નામેન્ટમાં તમારે દરેક મેચમાં તમારી શ્રેષ્ટ રમત રમવી પડશે.”