નવી દિલ્હી, તા.૧૧
વર્લ્ડકપની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ હાહાકાર મચી ગયો છે. ચાહકો તો ઇચ્છી રહ્યાં છે કે કોચ શાસ્ત્રીની હકાલપટ્ટી થાય. પાછલા કેટલાક વર્ષોમાં શાસ્ત્રીના માર્ગદર્શનમાં ટીમ ઇન્ડિયા દરેક મોટી ટુર્નામેન્ટમાં હારી. વર્લ્ડ કપ હોય કે મોટી સીરિઝમાં ભારતની હાર થઈ છે.
શાસ્ત્રીનો કોચ તરીકેનો કરાર વર્ષ ૨૦૧૭માં જૂલાઇમાં શરૂ થયો હતો અને વર્લ્ડકપ ૨૦૧૯ સુધીનો હતો. આ વર્ષે માર્ચમાં બીસીસીઆઈના કેટલાક અધિકારીઓએ સંકેત આપ્યા હતા કે બીસીસીઆઈ કોચની નિયુક્તી માટે નવેસરથી જાહેરાત બહાર પાડશે. શાસ્ત્રી કોચ માટે ફરીથી આવેદન આપશે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે. ટીમ ઇન્ડિયા આ મહિના વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં કોચ કોણ રહેશે તે જોવું પણ રસપ્રદ રહેશે.
પહેલાં એવું જણાઈ રહ્યું હતું કે શાસ્ત્રીને કાર્યકારી કોચ બનાવી વેસ્ટઇન્ડિઝ મોકલવામાં આવે પરંતુ હવે એવી અટકળો ઓછી છે. કેપ્ટન કોહલીએ કોચ તરીકે શાસ્ત્રીના ભરપેટ વખાણ કર્યા છે શાસ્ત્રી પાછલા બે વર્ષથી કોચ છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા અનેક ટુર્નામેન્ટ રમી હતી. પરંતુ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા જીતી શકી નહોતી. આ વખતે વર્લ્ડકપની સેમિફાઇનલમાં હારી તેના ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી, ઇંગ્લેન્ડમાં વન ડે સીરિઝ હારી હતી. વર્લ્ડ કપ પહેલાં જ ઑસ્ટ્રેલિયાએ વતનમાં ટીમ ઇન્ડિયાને હાર અપાવી હતી.