નવી દિલ્હી,તા.૯
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં સંન્યાસની અટકળોની વચ્ચે ટીમ ઇન્ડિયાનાં હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દા પર સનસનાટીપૂર્ણ નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સંકેત આપ્યા કે મહેન્દ્ર સિંહ ધોની જલદીથી જલદી પોતાના વન ડે કેરિયરને અલવિદા કહી શકે છે. જો કે તે ત્યારબાદ પણ ટી-૨૦ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખી શકે છે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલાથી જ સંન્યાસ લઈ ચુક્યો છે. જો રવિ શાસ્ત્રીની વાત પર વિશ્વાસ કરીએ તો પછી ધોની ઑસ્ટ્રેલિયામાં આ વર્ષે થનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ રમી શકે છે.ભારતીય ટીમનાં હેડ કૉચ રવિ શાસ્ત્રીએ સાથે જ સંકેત આપ્યા છે કે ધોની વન ડે ક્રિકેટમાંથી જલદી સંન્યાસ લઈ શકે છે. એક પ્રશ્નનાં જવાબમાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ધોની લાંબા સમયથી ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો હતો. ત્યારબાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો અને હવે તે વન ડે ક્રિકેટ પણ છોડી શકે છે. ત્યારબાદ આ ઉંમરમાં તે ફક્ત ટી-૨૦ ક્રિકેટ રમવા ઇચ્છશે. આ માટે તેણે ફરીથી રમવાનું શરૂ કરવું પડશે.
રવિ શાસ્ત્રીએ એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીનું ટી-૨૦ કેરિયર હજુ જીવતુ છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે. ધોની વિશે એક વાત જાણું છું કે તે ખુદને ટીમ પર ક્યારેય નથી થોપતો. જો તેને લાગે છે કે તે રમવાનું ચાલુ રાખી શકે છે તો ટેસ્ટ ક્રિકેટની માફક જ કહી દેશે કે મે ઘણું ક્રિકેટ રમી લીધું છે, પરંતુ જો તે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરે છે તો પછી તે આ ફોર્મેટમાં આગળ પણ રમવાનું ચાલુ રાખી શકે છે.”