નવી દિલ્હી,તા.૩૦
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૧ ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અનુસાર ચાર વર્ષની સફળતાએ કેપ્ટન વિરાટ કોહલીની માનસિકતા પુરી રીતે બદલી નાખી છે અને આગામી ટેસ્ટ શ્રેણીમાં તે અંગ્રેજોને બતાવવા માંગે છે તેને કેમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેન ગણવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીનો ગત ૨૦૧૪નો પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો.
રવિ શાસ્ત્રીએ ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું, “વિરાટ કોહલીના રેકોર્ડને જુઓ, મારે તે બતાવવાની જરૂર નથી કે ગત ચાર વર્ષમાં તેને કેવુ પ્રદર્શન કર્યુ છે. જ્યારે તમે આ રીતનું પ્રદર્શન કરો છો તો તમે માનસિક રીતે બીજા સ્તરે પહોચી જાઓ છો, તમે કોઇ પણ પડકાર સામે લડવા માટે તૈયાર રહો છો.” શાસ્ત્રીએ કહ્યું, “હાં, ચાર વર્ષ પહેલા જ્યારે તે અહી આવ્યો હતો ત્યારે તેને સારૂ પ્રદર્શન નહતુ કર્યુ પરંતુ ચાર વર્ષ બાદ તે વિશ્વના સૌથી સારા ખેલાડીમાંથી એક છે, તે બ્રિટિશ જનતાને બતાવવા માંગે છે કે તે વિશ્વનો સૌથી સારો ખેલાડી કેમ છે.”શાસ્ત્રીએ કહ્યું કે તે આક્રમક ક્રિકેટ રમવામાં વિશ્વાસ કરે છે જે ઇંગ્લેન્ડ જેવા પ્રવાસમાં ટોપ પર આવવા માટે જરૂરી છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું, “અમે અહી મેચ ડ્રો કરવા અને સંખ્યા વધારવા નથી આવ્યા. અમે દરેક મેચને જીતવા માટે રમીએ છીએ. જો જીતવાના પ્રયાસમાં હારી ગયા તો આ ખરાબ નસીબ રહેશે. અમને ખુશી થશે, જો અમે હારથી વધુ મેચ જીતી શકીશું. અમારૂ માનવુ છે કે અમારી પાસે વિદેશ પ્રવાસ કરનારી સૌથી સારી ટીમોમાંથી એક બનવાની ક્ષમતા છે.