મોહાલી,તા.૯
સનરાઇઝર્સ હૈદરાબાદને થ્રીલર મુકાબલામાં હરાવ્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, તેની ટીમમાં પ્રદર્શનમાં સુધારો કરવાની ઘણી જરૂર છે. જીત માટે ૧૫૧ રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબે એક વિકેટ પર ૧૩૨ રન બનાવી લીધા હતા પરંતુ ૩ વિકેટ સતત ગુમાવ્યા બાદ હૈદરાબાદને મેચમાં પરત ફરવાની તક આપી હતી.
અશ્વિને મેચ બાદ કહ્યું, ’આ મેચમાં કાંટાની ટક્કર થઈ ગઈ હતી.’ અમે પહેલા પણ આવા રોમાંચક મેચ રમ્યા પરંતુ સૌથી સારી વાત છે કે સુધારની જરૂર છે. મુઝીબ ઉર રહમાનનો બચાવ કરતા તેણે કહ્યું કે, અફગાનિસ્તાનનો આ સ્પિનર નવા બોલની સાથે કમાલ કરી શકે છે.
હાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારે કહ્યું કે, તે બોલરોના પ્રદર્શનથી ખુશ છે ખાસ કરીને ઝાકળને જોતા આ સારૂ પ્રદર્શન રહ્યું છે. તેણે કહ્યું, ઝાકળ રહેતા બોલરોએ જે પ્રદર્શન કર્યું, હું તેનાથી ખુશ છું. યોર્કર અને ધીમો બોલ કરવો મુશ્કેલ હતો પરંતુ અમે અમારી રણનીતિનો આસાનીથી અમલ કર્યો હતો.