નાગપુર, તા. ૨૭
ટીમ ઇન્ડિયાના ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામે ૮ વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૩૦૦ વિકેટની સિદ્ધિ પુરી કરી હતી. ૫૪મી ટેસ્ટ મેચ અને ૧૦૦મી ઇનિંગ્સમાં અશ્વિને આ સિદ્ધિ હાસલ કરી હતી. અશ્વિન સૌથી ઝડપથી ૩૦૦ વિકેટની સિદ્ધિ ઉપર પહોંચનાર બોલર બની ગયો છે. રસપ્રદ બાબત એ છે કે, ૨૭મી નવેમ્બરના દિવસે જ ડેનિસ લીલીએ પણ પોતાની ૩૦૦ વિકેટની સિદ્ધિ પુરી કરી હતી. આજ દિવસે અશ્વિને ડેનિસ લીલીનો રેકોર્ડ તોડી દીધો છે. અશ્વિને પોતાના આ રેકોર્ડથી અનેક સ્ટાર બોલરોને પાછળ છોડી દીધા છે. ડેનિસ લીલી, મુરલીધરન, મેકગ્રાથ, શેન વોર્ન અને ડેલ સ્ટેઇન જેવા બોલરો ૩૦૦ વિકેટની સિદ્ધિ ઉપર પહોંચતા વધારે ટેસ્ટ મેચ લઇ ગયા હતા. ડેનિસ લીલીએ ૫૬ ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે મુરલી ધરન અને માલ્કમ માર્શલે ૬૧ ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. ડેલ સ્ટેઇન અને શેન વોર્ને ૬૩મી ટેસ્ટ મેચ રમતા આ સિદ્ધિ મેળવી હતી. ડોનાલ્ડ અને મેકગ્રાથે ૬૪ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. માર્શલે પોતાની કેરિયરમાં સૌથી ઝડપી ૩૦૦ વિકેટની સિદ્ધિ હાસલ કરી હતી ત્યારબાદ ડેનિસ લીલીનો રેકોર્ડ રહ્યો હતો.