લંડન,તા.૧૦
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯માં રવીન્દ્ર જાડેજા મોટાભાગની મેચમાં બેન્ચ ઉપર બેઠેલો જોવા મળ્યો હતો. જ્યારે તેને તક મળી ત્યારે તેણે પોતાની ઉપયોગિતા બતાવી હતી. શ્રીલંકા સામે પ્રથમ મેચ રમ્યા પછી જાડેજાને ટીમ ઇન્ડિયાએ સેમિ ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું. તે સેમિ ફાઇનલમાં પોતાની બોલિંગ અને ફિલ્ડિંગથી છવાઈ ગયો હતો. તે આ વર્લ્ડ કપમાં રન રોકવાના મામલે નંબર વન બની ગયો છે.
મંગળવારે વરસાદના કારણે રોકાયેલી સેમિ ફાઇનલ મેચ જ્યારે બુધવારે શરુ થઈ તો મેદાનમાં જાડેજા છવાઇ ગયો હતો. જાડેજાએ ૪૮મી ઓવરમાં રોસ ટેલરને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ઝટકો આપ્યો હતો. ૪૮મી ઓવરમાં બુમરાહના બોલ પર ટેલરે બે રન લેવાનો પ્રયત્ન કર્યો હતો, બોલ મિડવિકેટ તરફ ગયો હતો. જાડેજાએ બોલ પકડી તેજ થ્રો કરીને ટેલરને રન આઉટ કર્યો હતો.
રન આઉટ પછી જાડેજાએ શાનદાર કેચ કરીને પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. ભુવનેશ્વરના બોલર પર ટોમ લથામે મિડવિકેટ પર શોટ રમ્યો હતો. જાડેજાએ બાઉન્ડ્રી લાઇનની નજીક જબરજસ્ત કેચ કર્યો હતો. જાડેજા વર્તમાનમાં સૌથી સારો ફિલ્ડર ગણાય છે અને તેણે આ વર્લ્ડ કપમાં ફક્ત બે મેચ રમીને સાબિત કર્યું છે. જાડેજાએ ૨ મેચમાં ૪૧ રન બચાવ્યા છે, જે આ વર્લ્ડ કપમાં કોઇપણ ફિલ્ડર કરતા સૌથી સારું શાનદાર પ્રદર્શન છે. જાડેજા પછી માર્ટિન ગુપ્ટિલે ૯ મેચમાં ૩૨ રન બચાવ્યા છે.