(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
રવિશ કુમારે ફેસબુક પર પોસ્ટ લખી જણાવ્યું છે કે, ચૂંટણી પંચ પરિણામો પહેલાં હારી ગયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વડાપ્રધાન મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાબરમતી બૂથ પર પોતાનો મત આપ્યા બાદ રોડ શો કર્યો હતો. વોટિંગના દિવસે રોડ શો કરવો એ ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે. કોંગ્રેસ દ્વારા આ રોડ શો પર વિરોધ દર્શાવ્યો હતો અને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ રોડ શોનો વિરોધ દર્શાવ્યો હતો અને સવાલ પૂછી રહ્યા છે કે, શું ચૂંટણી પંચ નિંદ્રામાં હતું ? રવિશ કુમારે પણ આ રોડ શો બાદ ફેસબુક પર પોસ્ટ લખીને ચૂંટણી પંચને કઠેડામાં ઊભું કરી દીધું છે. રવિશે લખ્યું કે, ૧૮મી ડિસેમ્બરે કોંગ્રેસ અને બીજેપીમાંથી કોઈ એક હારશે. પરંતુ ગુજરાતમાં બીજું પણ કોઈ છે જે પરિણામો આવતા પહેલાં હારી ચૂક્યું છે. એ દિવસે ગુજરાતમાં બીજેપી સરકાર બનાવશે અથવા રર વર્ષ પછી કોંગ્રેસ સત્તામાં પાછી ફરશે. ૧૮ ડિસેમ્બરે બેમાંથી કોઈ એક હારશે. પરંતુ ગુજરાતમાં અન્ય બીજું કોઈ છે જે પરિણામો આવતા પહેલાં હારી ચૂક્યું છે અને એનું નામ છે ચૂંટણી પંચ એમ રવિશે પોસ્ટમાં લખ્યું હતું.