(એજન્સી) તા.ર
ભારતના સૌથી લોકપ્રિય પત્રકાર રવીશકુમારને ર૦૧૯ના રેમન મૈગ્સેએ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રવીશે પોતાના ક્ષેત્રમાં આપેલા નોંધપાત્ર યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ એવોર્ડને એશિયાનો નોબેલ ગણવામાં આવે છે. રેમન મૈગ્સેસે ફાઉન્ડેશને શુક્રવારે આ એવોર્ડની જાહેરાત કરતાં રવીશકુમારને ભારતના સૌથી પ્રભાવશાળી પત્રકારોમાંથી એક ગણાવ્યા હતા. રવીશકુમાર ઉપરાંત મ્યાનમારના કેકો સ્વે બિન, થાઈલેન્ડના અંગખાના નીલાયજીત, ફિલિપાઈન્સના રેમુંડો પુજાંતે કૈયાબ અને દક્ષિણ કોરિયાના કિમ-જોંગ-કીને પણ ર૦૧૯નો રેમન મૈગ્સેસે એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રેમન મૈગ્સેસેની યાદમાં દર વર્ષે જુદા જુદા ક્ષેત્રોમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. એવોર્ડ ફાઉન્ડેશને રવીશકુમારના કાર્યક્રમ ‘પ્રાઈમ ટાઈમ’ને સામાન્ય લોકોના વાસ્તવિક જીવન સાથે સંકળાયેલું ગણાવતા કહ્યું હતું કે જો તમે લોકોનો અવાજ બનો છો તો તમે પત્રકાર છો. બિહારના જિતવારપુર ગામમાં જન્મેલા રવીશ ૧૯૯૬માં ન્યુ દિલ્હી ટેલિવિઝન નેટવર્ક (એનડીટીવી)માં જોડાયા હતા. તેમણે એક રિપોર્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં તે એનડીટીવીના મેનેજિંગ એડિટર છે. ફાઉન્ડેશને રવીશકુમાર વિશે કહ્યું હતું કે તે વરિષ્ઠ અધિકારીને જવાબદાર ઠેરવવામાં, દેશમાં જાહેર ચર્ચાની સ્થિતિ અને મીડિયાની ટીકા કરવામાં સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. આ જ કારણે તેમને ઘણી વખત કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા ધમકીઓનો સામનો કરવો પડે છે. રવીશને ગંભીર મુદ્દાઓ પર સારી પકડ ધરાવતા એન્કર ગણાવીને ફાઉન્ડેશને કહ્યું હતું કે, તે જે પ્રકારનું પત્રકારત્વ કરે છે તે તેમની વિશેષતા છે. ફાઉન્ડેશને આ પણ કહ્યું હતું કે મીડિયાનું એવું વાતાવરણ જેમાં સરકારનો હસ્તક્ષેપ છે, જે કટ્ટર રાષ્ટ્રવાદીઓના કારણે ઝેરીલું બની ગયું છે. જેમાં ટ્રોલ તેમજ બનાવટી સમાચારો ફેલાવનાર લોકો છે, જ્યાં હરિફાઈના કારણે મીડિયા હસ્તીઓને કિંમત ચૂકવવી પડે છે અને જ્યાં સમાચારોને સનસનાટી ફેલાવનારા બનાવવામાં આવે છે, તેવી સ્થિતિમાં રવીશ આ વાત પર અડગ રહ્યાં છે કે ગંભીર, સંતુલિત અને તથ્યો આધારિત રિપોર્ટીંગના વ્યવસાયિક મૂલ્યોને જીવંત રાખવા પડશે. આ એવોર્ડ વિજેતાઓને ૩૧ ઓગસ્ટ ર૦૧૯ના દિવસે યોજાનારા સત્તાવાર કાર્યક્રમમાં એવોર્ડ આપવામાં આવશે. ૧૯પ૭માં શરૂ થયેલા આ એવોર્ડને એશિયાનો સૌથી સર્વોચ્ચ એવોર્ડ છે. એનડીટીવી મુજબ રવીશ આ એવોર્ડ મેળવનારા છઠ્ઠા ભારતીય પત્રકાર છે. આ પહેલાં અમિતાભ ચૌધરી (૧૯૬ર), બીજી વર્ગીઝ (૧૯૭પ), અરૂણ શૌરી, (૧૯૮ર), આર.કે.લક્ષ્મણ (૧૯૮૪) અને પી.સાંઈનાથ (ર૦૦૭) આ એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ એવોર્ડ મેળવનાર અન્ય ભારતીયોમાં મહાશ્વેતા દેવી, સત્યજીત રે, અરવિંદ કેજરીવાલ તેમજ કિરણ બેદી સામેલ છે.

‘‘એશિયન નોબેલ’’ રેમન મૈગ્સેસે એવોર્ડથી સન્માનિત રવીશ પહેલા એનડીટીવીમાં પત્રોની છણાવટ કરતા હતા, તેમની કારકિર્દી વિશે ૧૦ રસપ્રદ વાતો
(એજન્સી) તા.ર
વરિષ્ઠ પત્રકાર અને એનડીટીવીના મેનેજિંગ એડિટર રવીશકુમારને શુક્રવારે રેમન મૈગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડને એશિયાનો નોબેલ ગણવામાં આવ્યો છે. રેમન મૈગ્સેસે ફાઉન્ડેશને આ એવોર્ડ માટે રવીશના નામની જાહેરાત કરતાં તેમને ભારતના સૌથી પ્રભાવશાળી પત્રકારોમાં ગણાવ્યા હતા. આ રહી રવીશ વિશે મહત્ત્વની જાણકારી.
૧. આ ભારતીય પત્રકારત્વ અને એનડીટીવી માટે એક મોટો દિવસ છે. એનડીટીવીના રવીશકુમારને રેમન મૈગ્સેસે એવોર્ડ મળ્યો છે.
ર. સામાન્ય રીતે સામાજિક કાર્યો માટે આપવામાં આવતો આ એવોર્ડ રવીશની સામાજિક પત્રકારિતાને પ્રતિબિંબિત કરે છે.
૩. પત્રકાર તરીકે રવીશે લાંબી યાત્રા કરી છે. તેમણે અત્યંત પ્રાથમિક સ્તરેથી શરૂઆત કરી આ સિદ્ધિ મેળવી છે. તે ૧૯૯૬માં એનડીટીવી સાથે જોડાયા હતા.
૪. કારકિર્દીની શરૂઆતમાં રવીશ એનડીટીવીમાં આવેલા પત્રોનું વર્ગીકરણ કરતાં હતા. ત્યારબાદ તેમણે રિપોર્ટીંગની શરૂઆત કરી. તેમની સતેજ આંખો દેશ અને સમાજની મુશ્કેલીઓને ઓળખતી રહી.
પ. તેમનો કાર્યક્રમ ‘રવીશ કી રિપોર્ટ’ ખૂબ ચર્ચાસ્પદ બન્યો અને તે ભારતના સામાન્ય લોકોનો કાર્યક્રમ બની ગયો.
૬. એન્કરિંગ કરતી વખતે રવીશ ટીવી પત્રકારત્વની નવી વ્યાખ્યા આપી. આ દેશમાં જેમને પણ લાગતું હતું કે તેમનો અવાજ સાંભળનાર કોઈ નથી તેમને રવીશ પાસેથી અપેક્ષા હોય છે.
૭. ટીવી પત્રકારત્વના આ કોલાહલભર્યા વાતાવરણમાં રવીશે સ્પષ્ટ પત્રકારત્વ ચાલુ રાખ્યું. સત્તા વિરૂદ્ધ નીડર પત્રકારત્વ કરતાં રહ્યા. આજે તેમના પત્રકારત્વને વધુ એક મહત્ત્વની સ્વીકૃતિ મળી છે.
૮. રવીશકુમારે તેમના કાર્યક્રમ પ્રાઈમ ટાઈમમાં સામાન્ય લોકો સાથે સંકળાયેલા મુદ્દાઓને મહત્ત્વ આપ્યું. તેમની નોકરી તેમજ કોલેજ-યુનિ.વાળી સિરીઝ ઘણી લોકપ્રિય બની હતી.
૯. ર૦૧૦માં રવીશને ગણેશ શંકર વિદ્યાર્થી એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે ર૦૧૩, ર૦૧૭ આમ બે વાર પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડ જીત્યો.
૧૦. ર૦૧૬માં રવીશને સર્વશ્રેષ્ઠ પત્રકારનો રેડ ઈન્ક એવોર્ડ મળ્યો. ર૦૧૭માં પ્રથમ કુલદીપ નૈયર પત્રકારત્વ એવોર્ડ મળ્યો. રવીશે ‘ઈશ્ક મેં શહર હોના’, ‘દેખતે રહીએ’, ‘ફ્રી વોઈસ’ જેવા પુસ્તકો લખ્યા છે જે વાચકોમાં ઘણા લોકપ્રિય બન્યા છે.