(એજન્સી) તા.૮
શુક્રવારે સવારે ગુડગાંવમાં રયાન ઈન્ટરનેશનલ સ્કૂલના બીજા ધોરણના વિદ્યાર્થીનો મૃતદેહ શાળા પરિસરમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સાત વર્ષીય બાળક પ્રદ્યુમન ઠાકુરનો શબ શૌચાલયમાં લોહીના ખાબોચિયાંમાંથી મળી આવ્યો હતો. પીડિતનું ગળંુ કાપી નાખવામાં આવ્યું હતું અને શરીર પર પણ ઈજાના નિશાન હતા. દક્ષિણ ગુડગાંવના પોલીસ ડેપ્યુટી કમિશનર, અશોકકુમાર બક્ષીએ કહ્યું કે સવારે આઠ વાગ્યાની આસપાસ શાળા સંચાલકોને મૃતદેહ મળી આવતા અમને જાણ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે ઘટના સ્થળેથી એક છરી મળી આવી છે.
પોલીસ દ્વારા ધારા ૩૦ર અંતર્ગત ભોંડસી પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ડેપ્યુટી કમિશનર સિમરદીપસિંઘ જે હાલ ગુડગાંવ પોલિસ કમિશનર તરીકે કાર્યરત છે તેઓ ફોરેન્સિક ટુકડી સાથે શાળાએ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ કરી હતી. સિંઘે કહ્યું કે તેઓ ઘટનાના તથ્યો તપાસીને નિવેદન આપશે. પોલીસના જણાવ્યા મુજબ, બાળકના પિતા તેને શાળાએ મૂકીને ઘરે પહોંચ્યા અને તરત જ તેમને અકસ્માત વિશે જાણકારી આપતો ફોન આવ્યો. પીડિતને ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
મૃતકના સહઅધ્યાયીઓએ પોલીસને જણાવ્યું કે તે રોજ શાળાએ પહોંચ્યા બાદ તરત શૌચાલય જતો હતો. પોલીસની એવી ધારણા છે કે અપરાધીને આ વિષે જાણ હશે.
શુક્રવારે પ્રદ્યુમન સવારે ૭ઃ૩૦ વાગ્યે શાળાએ પહોંચ્યા બાદ શૌચાલય ગયો અને લાંબા સમય સુધી પાછો ફર્યો નહીં. તેની બહેન પણ એ જ શાળામાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસે શાળા સંચાલક પાસેથી સીસીટીવી કેમેરાની ફૂટેજ મેળવી છે જેની મદદથી આ કેસને દિશા મળશે. પરંતુ શૌચાલયની બહાર મૂકવામાં આવેલ સીસીટીવી બિનકાર્યક્ષમ હતો. શાળા સંચાલકોએ જણાવ્યું કે શાળામાં કુલ ૧૬ કેમેરા છે અને શાળા તપાસમાં પોલીસને સહયોગ કરી રહી છે. મૃતકના પિતા વરૂન ઠાકરે મીડિયા કર્મીઓને ઘટનાક્રમ અંગે માહિતી આપતા કહ્યું કે, મને ખબર નથી કે શું થયું, પરંતુ સ્પષ્ટપણે આ હત્યાનો મામલો છે. આ ઘટનાની જાણ વોટ્‌સએપ ગ્રુપ દ્વારા વાલીઓ સુધી પહોંચતા આશરે ર૦૦ જેટલા ઉશ્કેરાયેલા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને મૃત્યુની જાણ થતા તેમણે શાળાની અસ્કયામતોને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું અને બેદરકારી બદલ શાળા સંચાલકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા બે વાલીઓની શાળાની મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અમુક વાલીઓએ પોલીસ કમિશનરની ઓફિસ બહાર ધરણા કર્યા હતા.