(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
૭ વર્ષીય પ્રદ્યુમન ઠાકુરની હત્યા કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ જણાવ્યું કે, ગુરૂગ્રામ પોલીસે બસ કન્ડકટર અશોકકુમારને સંડોવવા માટે હત્યાનો હથિયાર, ચપ્પુ એના ઉપર મૂકયો હતો. સ્થાનિક પોલીસની તપાસ મુજબ કન્ડકટર કુમારે ચપ્પુ બસની ટુલકિટમાંથી લીધું હતું અને એ લઈને શાળામાં ગયો હતો જયાં વોશરૂમમાં પ્રદ્યુમનની હત્યા કરી હતી. પણ સીબીઆઈએ પોતાની તપાસમાં જાહેર કર્યું છે કે, એ ચપ્પુ ૧૧માં ધોરણના વિદ્યાર્થી પાસે હતો જે હાલમાં આરોપી છે. એમણે આ ચપ્પુનો ઉપયોગ પ્રદ્યુમનની હત્યા માટે કર્યો હતો. એનો ઉદ્દેશ્ય હતો કે હત્યાથી શાળાની પરીક્ષાઓ રદ થશે અને શિક્ષકો-વાલીઓ વચ્ચે થનાર મીટિંગ પણ રદ થશે. આ ચપ્પુ વિદ્યાર્થીએ સ્થાનિક દુકાન પાસેથી ખરીધ્યું હતું અને એ સ્કૂલમાં લઈ આવ્યો હતો આ એ જ ચપ્પુ છે જેના દ્વારા પ્રદ્યુમનની હત્યા કરાઈ હતી જે સીબીઆઈએ વોશરૂમના કમોડમાંથી મેળવ્યું હતું પણ સ્થાનિક પોલીસનો દાવો ખોટો છે. સીબીઆઈના અધિકારીએ જણાવ્યું છે કે, ૧૬ વર્ષીય આરોપીએ પોતાનો ગુનો એમના પિતા સમક્ષ કબૂલ્યું છે તે વખતે એક અન્ય સ્વતંત્ર સાક્ષી પણ હાજર હતો. આરોપીએ જણાવ્યું કે, એમણે ચપ્પુ વડે પ્રદ્યુમનના ગળા ઉપર હુમલો કર્યો અને થોડી જ ક્ષણોમાં એ વોશરૂમમાંથી બહાર નીકળી ગયો. બાળક કોઈ પ્રતિરોધ કરી શકયું નહીં. સીબીઆઈએ જણાવ્યું છે કે, ફકત ચપ્પા જોડે જ હત્યા કરવામાં આવી છે જે વોશરૂમના કમોડમાંથી મળ્યો હતો એ વાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે સ્થાનિક પોલીસે કયારે પણ જણાવ્યું ન હતું કે એમણે ચપ્પુ ક્યાંથી કબજે કર્યું હતું. ૮મી સપ્ટેમ્બરે પ્રદ્યુમન શાળાના બાથરૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ ખતરનાક હત્યાથી દેશભરમાં ચિંતા અને રોષ ફેલાયો હતો અને આ પ્રકારની નામના ધરાવતી ખાનગી સ્કૂલોમાં સુરક્ષા સામે પ્રશ્નો ઊભા કરાયા હતા. સમાચાર એજન્સીઓએ જણાવ્યું હતું કે, સીબીઆઈની ટીમ આરોપી વિદ્યાર્થીને શાળામાં લઈ ગઈ હતી જેથી ઘટનાનું પુનઃસ્થાપન કરી શકાય. અધિકારીઓ આરોપીને સોહના માર્કેટ લઈ ગયા હતા જ્યાંથી ચપ્પુ ખરીદાયો હતો. આરોપી જે વકીલનો પુત્ર છે. એમણે પૂછપર દરમિયાન જણાવ્યું હતું કે, એમણે માળી અને શિક્ષકને માહિતી આપી હતી કે એક બાળક લોહી લુહાણ પરિસ્થિતિમાં બાથરૂમમાં પડેલ છે. વિપક્ષોએ ભાજપ અને મનોહરલાલ ખટ્ટર ઉપર આક્ષેપો કર્યા છે. એમણે પોલીસ ઉપર આક્ષેપો મૂકયા છે કે, પોલીસે જાણીબુઝીને આરોપીને બચાવવા કન્ડકટરને પકડયો હતો અને પુરાવાઓનો નાશ કર્યો હતો.

 

 

બસ કન્ડકટર અશોકકુમારને પોલીસે ત્રાસ આપી ગુનાની કબૂલાત કરાવી હતી

(એજન્સી) તા.૧૦
બસ કન્ડકટર અશોકકુમાર જેમની ઉપર પ્રદ્યુમનની હત્યા અને જાતીય શોષણના આક્ષેપો મૂકી ધરપકડ કરાઈ હતી. એમણે કહ્યું કે હું હરિયાણા પોલીસ અને સ્કૂલ મેનેજમેન્ટ ઉપર કેસ કરીશ મને ખોટી રીતે ત્રાસ આપી ગુનાની કબૂલાત કરાવી હતી અને મારી બદનક્ષી કરાવી છે. અશોકના વકીલે કહ્યું કે અશોકને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. પોલીસ અસલ આરોપીને છાવરવા માંગતી હતી જેના માટે અશોક ઉપર આક્ષેપો મૂકી ધરપકડ કરાઈ હતી. સીબીઆઈએ પ્રદ્યુમનની હત્યા માટે ૧૧માં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સીબીઆઈની તપાસ પોલીસથી તદ્દન વિરૂદ્ધમાં છે. સીબીઆઈએ પોતાની તપાસના પુરાવાઓ પણ આપ્યા છે અને પોલીસની થિયરીને ખોટી ઠેરવી છે. અશોકના વકીલે કહ્યું કે એક વખત સીબીઆઈની તપાસ પૂર્ણ થઈ જાય અને ચાર્જશીટ દાખલ થઈ જાય એ પછી અમે પોલીસ સામે પગલાં લઈશું. મારા અસીલને ખોટી રીતે ફસાવી ત્રાસ અપાયો છે. પોલીસે કેસને ગૂંચવ્યું હતું. પોલીસે હત્યાનો કોઈ ઉદ્દેશ્ય જણાવ્યું ન હતું જ્યારે સીબીઆઈએ હત્યાનું ઉદ્દેશ્ય સ્પષ્ટ જણાવેલ છે. પોલીસે ગુનો સાબિત કરવા પુરાવા ઊભા કર્યા હતા અને અસલ આરોપીને છાવરવા એમની વિરૂદ્ધના પુરાવાઓ નાશ કર્યા હતા.
પ્રદ્યુમન હત્યા કેસ : મને ખોટી રીતે ફસાવવામાંઆવ્યો છે, હું જામીન માટે અરજી દાખલ કરીશ : બસ કન્ડકટર

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
સીબીઆઈએ પ્રદ્યુમન હત્યા કેસમાં શાળાના ૧૧માં ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સીબીઆઈ મુજબ આરોપીએ ગુનાની કબૂલાત કરી છે. સીબીઆઈએ તપાસમાં આગળ વધતા જણાવ્યું છે કે, અમે એક અન્ય વિદ્યાર્થી સામે પણ તપાસ કરી રહ્યા છે જેમણે ગુનામાં મદદ કરી હતી. આ બીજા વિદ્યાર્થીએ માળી અને શિક્ષકને જાણ કરી હતી કે શાળાના બાથરૂમમાં એક બાળક લોહીલુહાણ સ્થિતિમાં ઘવાયેલ પડયું છે. એજન્સીએ અન્ય વિદ્યાર્થીની પૂછપરછ અન્ય સ્થળે કરી હતી. સીબીઆઈ બધા નિવેદનોને તપાસી રહી છે. જે નિવેદનો વિદ્યાર્થીએ આપ્યા હતા. દરમિયાનમાં ગુનામાં પકડાયેલ આરોપી અશોકકુમારે નિર્ણય કર્યો છે કે એ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરશે. મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. પોલીસે ત્રાસ આપી મારી પાસેથી મીડિયા સમક્ષ કબૂલાત કરાવી હતી. કન્ડકટરના વકીલે કહ્યું કે, સીબીઆઈની કલોઝર રિપોર્ટ મળ્યા પછી અમે જામીન અરજી દાખલ કરીશું.