(એજન્સી) નવી દિલ્હી,તા.૧૭
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર અને હજારો લોકોને ભરખી જનાર કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને કામ કરવા માટે ઝઝુમી રહેલા એનબીએફસીએસ અને એમએફઆઇએસ સહિત નાના અને મધ્યમ સ્તરના નાણાકીય સંગઠનો માટેે અત્યંત જરૂરી રાહતની જાહેરાત કરી છે. અવારનવાર એનબીએફસીએસ અને એમએફઆઇએસ પાસેથી લોન લેતા આવા નાના બિઝનેસિસને ટેકો આપવા માટે સરકાર બીજું પ્રોત્સાહન કે રાહત પેકેજ જારી કરવાની વિચારણા કરી રહી હોવાના અહેવાલો આવ્યા બાદ આરબીઆઇ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શક્તિકાંત દાસે જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે નાણાકીય તણાવ હળવો કરવા અને સરળ બેંક ક્રેડિટ પ્રવાહમાં સહાયરૂપ થવા માટે વ્યવસ્થામાં પુરતી તરલતા જાળવવાના અન્ય ઘણા પગલાંની જાહેરાત કરી છે. આર્થિક દબાણ હળવું કરવા માટે રિઝર્વ બેંકના નવા પગલાંઓ નીચે જણાવ્યા મુજબ છે.
૧. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે એવી જાહેરાત કરી છે કે, આરબીઆઇ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ (ટીએલટીઆરઓ)નો બીજો રાઉન્ડ હાથ ધરશે. ટીએલટીઆરઓ દ્વારા ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે. પત્રકાર પરિષદ દરમિયાન દાસે એવી પણ સ્પષ્ટતા કરી કે આ પગલું નાના અને મધ્યમ એન્ટરપ્રાઇસિસ (એસએમઇએસ)ને સ્વસ્થ રોકડ પ્રવાહ જાળવી રાખવા માટે એનબીએફસીએસ અને એમએફઆઇએસને રિફાઇનાન્સમાં સહાયરૂપ થશે.
૨. પોતાના સંબોધન દરમિયાન શક્તિકાંત દાસે જણાવ્યું કે, નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ), સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સિડબી) અને નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી)ને સેક્ટરલ ક્રેડિટની જરૂરિયાત પુરી કરવામાં સહાયરૂપ થવા માટે નાબાર્ડ, સિડબી અને એનએચબીને ૫૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીની ખાસ રિફાઇનાન્સ સવિધાઓ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું કે આ પગલું બિઝનેસિસને સરળરીતે લોન આપવા કે ધિરાણ કરવામાં નાના અને મધ્યમ કદની નાણાકીય સંસ્થાઓને રિફાઇનાન્સમાં મદદરૂપ થશે.
૩. ટીએલટીઆરઓની કામગીરીનો સેકન્ડ રાઉન્ડ નાના અને મધ્યમ કદની નાણાકીય સંસ્થાઓને મદદરૂપ થવા માટે હાથ ધરવામાં આવ્યો છે. અગાઉ, ટીએલટીઆરઓ યોજનાઓમાં મોટા ભાગે જાહેર સાહસો અને વિશાળ કોર્પોરેશન્સને સહાય કરવામાં આવી હતી.
૪. શક્તિકાંત દાસે જણાવ્યું કે, જો જરૂર જણાશે તો એનબીએફસીએસ અને અન્ય નાના કદની નાણાકીય સંસ્થાઓને રિફાઇનાન્સમાં સહાયરૂપ થવા માટે આરબીઆઇ રકમમાં વધુ વધારો કરશે. નાના અને મધ્યમ કદની કંપનીઓ માટે પુરતા બેંક ક્રેડિટ પ્રવાહની ખાતરી કરવા માટે એમ કરવામાં આવશે. નોંધનીય છે કે આરબીઆઇના ગવર્નરે જણાવ્યું કે ઉપર જણાવવામાં આવેલી બેંકોને આપવામાં આવનાર રકમમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ નાના કદની એનબીએફસીએસ અને એમએફઆઇએસને જશે.
૫. કોવિડ-૧૯ મહામારીને ધ્યામાં રાખીને આરબીઆઇ દ્વારા તરલતાની સમસ્યા હળવી કરવા માટે આ બીજું પગલું ભરવામાં આવ્યું છે. આ નવું પગલું બેંકિંગ વ્યવસ્થામાં પુરતી તરલતા જાળવવામાં સહાયરૂપ થવાની ધારણા છે. આ જાહેરાત કર્યા બાદ શક્તિકાંત દાસે દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓની પ્રશંસા કરી છે.
૬. શક્તિકાંત દાસે જણાવ્યું કે, આરબીઆઇએ તરલતાની સમસ્યા હળવી કરવામાં સહાયરૂપ થવા માટે ત્રણ લાંબા ગાળાના રેપો ઓપરેશન્સ કર્યા છે.
૭. આરબીઆઇ દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતમાં ચાર મહત્ત્વના વિસ્તારો કે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેનો હેતુ દેશમાં બેંકો અને બિઝનેસ પરનું દબાણ હળવું કરવાનો છે. દાસે એવું પણ કહ્યું કે બેંકિંગ વ્યવસ્થામાં પુરતી તરલતા જાળવી રાખવા માટે આરબીઆઇ કામ કરી રહી છે.
૮. કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રને પાટા પરથી ઉતારી દીધું છે ત્યારે અર્થતંત્ર પરનું દબાણ હળવું કરવા માટે આરબીઆઇ દ્વારા અન્ય ઘણા પગલાંની પણ જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઇએ એવી પણ નોંધ કરી છે કે ૯૦ દિવસનો એનપીએનો નિયમ બેંકો દ્વારા હાલની લોન પર આપવામાં આવેલા મોરેટોરિયમને લાગુ થશે નહીં.
૯. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, તાકીદની અસરથી લિક્વિડીટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (એલએએફ) હેઠળ રિવર્સ રેપો રેટને ૪ ટકાથી ઘટાડીને ૩.૭૫ ટકા એટલે કે ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ૨૫ બેઝિસ પોઇન્ટના ઘટાડાથી બેંકિંગ વ્યવસ્થામાં વધુ તરલતા જાળવવામાં સહાય મળશે. જોકે, આરબીઆઇએ રેપો રેટ યથાવત રાખ્યો છે. જોકે, આરબીઆઇએ ફુગાવો વધુ ઘટવાની સ્થિતિમાં રેપો રેટમાંં પણ ઘટાડાનો સંકેત આપ્યો છે. બેંકો વધુ ડિવિડન્ડ આપશે નહીં.
૧૦. અંતે આરબીઆઈના ગવર્નરે લોકડાઉનના આ કપરા સમયમાં લોકોની મદદ કરવા માટે અવિરત કામ કરી રહેલા બેંકર્સ અને અગ્રિમ મોરચા પર કામ કરી રહેલા કાર્યકરોનો આભાર માન્યો છે. તેમણે લોકોને એવી ખાતરી પણ આપી કે આરબીઆઇ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

લોકડાઉન લંબાવાતાં RBIએ વધુ એક
લાખ કરોડ રૂપિયાના ફંડિંગ સપોર્ટનો ઉમેરો કર્યો

કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવેલા કોવિડ-૧૯ લોકડાઉનના સમયગાળા દરમિયાન બિઝનેસ અને સ્મોલ નોન-બેંક લેન્ડર્સ સદ્ધર રહે તેની ખાતરી કરવાના એક પ્રયાસરૂપે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા લોન લેનારાઓને વર્ગીકૃત ડિફોલ્ટર્સ જાહેર કરવામાં વિલંબ કરવા અને લોન આપવામાં બેંકોને આગળ કરવા તેમ જ એનબીએફસીએસને ભંડોળો ઉપલબ્ધ કરાવવાના પગલાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના વાયરસ મહામારી સામેની લડાઇમાં લોકડાઉન અને અન્ય પરિબળોને કારણે સર્જાયેલા નાણાકીય સંકટથી ધીમી પડેલી દેશની આર્થિક ગતિવિધિઓને વેગ આપવાના પ્રયાસરૂપે આરબીઆઇ દ્વારા એક લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

કોંગ્રેસે RBIના પગલાં અંગે નિરાશા વ્યક્ત કરી, ગરીબોને મદદ કરવા વધુ પગલાંની જરૂર

અર્થતંત્રને ટેકો આપવા માટે શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા કરવામાં આવેલી જાહેરાતો અંગે કોંગ્રેસે નિરાશા વ્યક્ત કરી છે અને જણાવ્યું કે કોરોના વાયરસને પહોંચી વળવા માટે પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનને કારણે પીડિત ગરીબ લોકોની સમસ્યાઓ હળવી કે દૂર કરવા માટે સરકારે વધુ પગલાં ભરવા જોઇએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકણે એવો દાવો કર્યો છે કે આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાઓ કોરોના વાયરસથી સર્જાયેલી કટોકટીથી પીડાઇ રહેલા લોકોને મદદરૂપ થશે નહીં. તેમણે એવું પણ કહ્યું કે આરબીઆઇ દ્વારા કરવામાં આવેલી જાહેરાતોનો કોઇ અર્થ નથી કે આ જાહેરાતો અર્થવગરની છે. આરબીઆઇની આ જાહેરાતોથી કોંગ્રેસ અને લોકો હતાશ થયા છે. આરબીઆઇના આ પગલાઓએ બેડલોનના નિયમો વધુ હળવા બનાવી દીધા છે અને બેંકો દ્વારા ડિવીડન્ડની ચુકવણી સ્થગિત કરી દીધી છે.

કોંગ્રેસે કોવિડ-૧૯ અંગે દિલ્હી સરકાર સમક્ષ
૧૦ મુદ્દાની માગનું ચાર્ટર રજૂ કર્યું

કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં હતાશ થયેલા લોકોને મદદ કરવા માટે કોંગ્રેસ દ્વારા દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સમક્ષ ૧૦ મુદ્દાની માગણીનું ચાર્ટર રજૂ કરવામાં આવ્યું હોવાથી પરપ્રાંતિય અને રોજમદાર કામદારોને પ્રોત્સાહિત કરવા જોઇએ. કોંગ્રેસે કેજરીવાલ સરકાર પાસે એવી પણ માગણી કરી છે કે ફિક્સ્ડ પાવર ચાર્જિસ માફ કરી દેવા જોઇએ અને વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ ફી લેવી જોઇએ નહીં. તદ્‌ઉપરાંત સરકારી સહાય મેળવતી સ્કૂલોમાં શિક્ષકો અને એમએસએમઇએસના કામદારોના સરકાર દ્વારા પગાર ચુકવી દેવા જોઇએ. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા અજય માકણે ડિલીવરી બોઇઝ દ્વારા જીવલેણ કોરોના વાયરસને ફેલાતા અટકાવવામાં સહાયરૂપ થવા માટે ડિલિવરી બોયઝ માટે નિયમો તરીકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપીએસ) જાહેર કરવાની પણ માગણી કરી છે.

કોવિડ-૧૯ : નાના બિઝનેસ અને ખેડૂતોને મદદ કરવા RBIના પગલાને PM મોદીએ વધાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના વાયરસ મહામારી વચ્ચે આર્થિક મોરચા પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા ઉપાયોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે RBI દ્વારા કરવામાં આવેલી જાહેરાતોથી ક્રેડિટ પ્રવાહ અને લિક્વિડિટી વધશે. એક ટ્‌વીટમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘RBI દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાતોથી તરલતામાં વૃદ્ધિ થશે અને ક્રેડિટ આપૂર્તિમાં સુધારો થશે. આ પગલાઓથી આપણા નાના વ્યવસાયો, એમએસએમઈ, ખેડૂતો અને ગરીબોને મદદ મળશે. આ ડબ્લ્યૂએમએની સીમા વધારીને તમામ રાજ્યોની મદદ પણ કરશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે અર્થતંત્ર પરના નાણાકીય દબાણને હળવું કરવા માટે શુક્રવારે ઘણા પગલાંની જાહેરાત કરી છે.