(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે ઘર્ષણનું કારણ નાણા મંત્રાલયનો એ પ્રસ્તાવ છે જેમાં કેન્દ્રીય બેંક પાસે રાખેલા ૯.૫૯ લાખ કરોડ રૂપિયામાંથી ૩.૬ લાખ કરોડની સરપ્લસ રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. નાણા મંત્રાલયે સલાહ આપી હતી કે, આ સરપ્લસ રકમની દેખરેખ આરબીઆઇ અને સરકાર મળીને કરી શકે છે. નાણા મંત્રાલયનું માનવું છે કે, આરબીઆઇના ભંડારથી મૂડીના ટ્રાન્સફરથી જોડાયેલી સિસ્ટમ અને સંબંધિત શરતો બેંકના આર્થિક જોખમોને લઇ અત્યંત રૂઢિવાદી આકલન પર આધારિત છે. ટોચની સમાચાર એજન્સીના હવાલાથી પુષ્ટી કરવામાં આવી છે કે, રિઝર્વ બેંક એવું માને છે કે, સરકાર દ્વારા તેના ભંડારમાંથી મૂડી લેવાના આ પ્રયાસથી દેશની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડશે. સૂત્રો અનુસાર આ જ કારણસર આરબીઆઇએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
જોકે નાણા મંત્રાલયનો સવાલ છે ત્યાં સુધી તેની દલીલ છે કે, સરપ્લસ ટ્રાન્સફર સાથે જોડાયેલી વર્તમાન સિસ્ટમને આરબીઆઇએ જુલાઇ ૨૦૧૭માં એકતરફી મંજૂરી આપી છે કેમ કે, બોર્ડમાં સરકાર તરફથી નિમાયેલા બે સભ્યો બેઠકમાં હાજર ન હતા. સરકાર આ વ્યવસ્થા સાથે સહમત નથી તેથી તે સતત આરબીઆઇ સાથે આ મામલે વાત કરવા માગે છે. સરકારનો પ્રસ્તાવ છે કે, કેપિટલ રિઝર્વને લઇ આરબીઆઇનો અંદાજ જરૂર કરતા વધારે છે જેના કારણે તેની પાસે ૩.૬ લાખ કરોડ રૂપિયાની વધારાની મૂડી છે. સૂત્રો અનુસાર આ જ કારણે સરકાર ઇચ્છે છે કે, આરબીઆઇ સાથે મંત્રણા કરીને આ રકમનો ઉપયોગ કરવામાં આવે. ઉદાહરણ તરીકે આ રકમનો ઉપયોગ જાહેર ક્ષેત્રની બેંકોને ફરી મૂડી આપવી, બેંકોને વધુ લોન આપવામાં મદદ કરવી વગેરેમાં કરી શકાય છે. સૂત્રો અનુસાર મૂડી સંબંધિત વિષયક જરૂરિયાતોને જોતા એ પણ પ્રસ્તાવ આપ્યો કે, ૨૦૧૭-૧૮થી આરબીઆઇએ સમગ્ર સરપ્લસ સરકારને ટ્રાન્સફર કરી દેવો જોઇએ. આ મુદ્દે પણ સરકાર અને કેન્દ્રીય બેંકના અલગ-અલગ મતો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭-૧૮માં આરબીઆઇએ સરકારને ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું સરપ્લસ આપ્યું હતું. ૨૦૧૬-૧૭માં બેંકે ૩૦,૬૫૯ કરોડ રૂપિયા જ સરકારને ટ્રાન્સફર કર્યા હતા. સરકારનુ માનવું છે કે, વિશ્વની અન્ય કેન્દ્રીય બેંકોની સરખામણીએ આરબીઆઇ પોતાની કુલ મિલકતોની સરખામણીએ વધુ કેપિટલ પોતાની પાસે રાખે છે. જ્યાં સુધી આરબીઆઇની વાત છે તો કેન્દ્રીય બેંક પોતાનું સરપ્લસ નાણા ભંડાર કોઇ પ્રકારના બજારના જોખમ અથવા કોઇ અન્ય આર્થિક જોખમને પહોંચી વળવા માટે રાખે છે.