મુંબઈ,તા.૨
શેરબજાર, ઉદ્યોગ કારોબારીઓ અને સામાન્ય લોકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે આરબીઆઈની પોલિસી સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી. ધારણા પ્રમાણે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે પોલિસી સમીક્ષામાં ચાવીરુપ પોલિસી રેટમાં અથવા તો રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આની સાથે જ પોલિસી રેટ ૦.૨૫ ટકા ઘટીને ૬.૦૦ ટકા થઇ ગયો હતો જ્યારે રિવર્સ રેપોરેટ ૦.૨૫ ટકા ઘટીને ૫.૭૫ ટકા થઇ ગયો છે. સીઆરઆરને યથાવત ચાર ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમએએસએફ રેટ, બેંક રેટ બંનેમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ રેટ ઘટીને ૬.૫૦ ટકાથી ૬.૨૫ ટકા થયો છે. પોલિસી સમીક્ષા પહેલા જ માનવામાં આવી રહ્યું હતું કે, વ્યાજદરમાં નજીવો ઘટાડો થશે. હવે આગામી એમપીસીની બેઠક ત્રીજી અને ચોથી ઓક્ટોબરના દિવસે યોજાશે. ફોરેક્સ રિઝર્વનો આંકડો ૨૮મી જુલાઈ મુજબ ૩૯૨.૯ અબજ ડોલર રાખવામાં આવ્યો છે. આજે મોનિટરી પોલિસી કમિટીના ચાર સભ્યો ૦.૨૫ ટકાના રેટ કાપની તરફેણમાં હતા. છેલ્લા ત્રિમાસિક ગાળામાં રિટેલ ફુગાવો ૪ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે જ્યારે દોઢથી બે વર્ષની અંદર સીપીઆઈનો આંકડો એક ટકા વધી શકે છે. સામાન્ય મોનસુનના પરિણામ સ્વરુપે ખાદ્યાન્ન ચીજવસ્તુઓ ઉપર અસર થઇ છે. પોલિસી સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તકલીફો દૂર થશે. પોષાય તેવા હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાની જરૂર છે. રાજ્યોને પણ પ્રોજેક્ટ શક્ય તેેટલી વહેલીતકે પૂર્ણ કરવાના રહેશે. પોલિસી સમીક્ષાની બેઠક ગઇકાલે શરૂ થયા બાદ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ ઘટીને છ ટકા થઇ ગયો છે જે છેલ્લા દોઢ વર્ષની નીચી સપાટીએ છે. સીઆરઆરને યથાવત ચાર ટકા જાળવી રાખવાનો નિર્ણય કરાયો છે. આરબીઆઈએ રેટમાં કાપની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર જોવા મળશે. મોનિટરી પોલિસી કમિટિના સભ્યો ખુબ જ રચનાત્મક મૂડમાં હતા. પત્રકાર પરિષદમાં આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે કબૂલાત કરી હતી કે, જીએસટીને સમગ્ર દેશમાં સાનુકુળરીતે અમલી કરવાનો નિર્ણય થઇ ચુક્યો છે. સારા મોનસુન અને જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ નીતિગત વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં સરળતા થઇ છે. આ અગાઉ ૭મી જૂનના દિવસે પોલિસી સમીક્ષાની છેલ્લી બેઠક યોજાઈ હતી જેમાં વ્યાજદરોને યથાવત રાખવામાં આવ્યા હતા.