નવી દિલ્હી, તા. ૧૮
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વહેલી તકે ૫૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે. આ નોટોને મહાત્મા ગાંધી(નવી) સિરિઝ અંતર્ગત જારી કરવામાં આવશે જેના પર આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. કેન્દ્રીય બેંકે આ અંગે એક નિવેદનમાં પુષ્ટી કરી છે. ૫૦ રૂપિયાની નવી નોટના પાછળના ભાગમાં દક્ષિણ ભારતીય મંદિરની સાથે રથની તસવીર છે જે દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. નવી જારી કરેલી ૫૦ રૂપિયાની નોટમાં રંગ ફ્લોરોસન્ટ બ્લૂ રાખવામાં આવ્યો છે. આ સાથે જ નોટોની બંને તરફ અન્ય ડિઝાઇન અને જિયોમેટ્રિક પેટર્ન જોડવામાં આવી છે. આરબીઆઇએ જાહેરાત કરી છે કે, ૫૦ રૂપિયાની જુની નોટ પણ માર્કેટમાં ચાલતી રહેશે. નોટમાં દેવનાગરી લિપીમાં ૫૦ લખવામાં આવ્યું છે. બીજી તરફ મહાત્મા ગાંધીના ચિત્રને વચ્ચે રાખવામાં આવ્યું છે. અશોક ચિહ્નને જમણે રાખવામાં આવ્યું છે. નોટ પર વર્ષને ડાબી બાજુએ રખાયું છે. સ્વચ્છ ભારતના સ્લોગનને પણ સ્થાન અપાયું છે.