(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
સીબીઆઇમાં ટોચના અધિકારીઓ વચ્ચે ખેંચતાણ અને ત્યાર પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને હવે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) મોદી સરકારની વિરૂદ્ધમાં હોવાનું બહાર આવ્યું છે. અલગ પેમેન્ટ રેગ્યુલેટર બનાવવામાં સરકાર સાથે રિઝર્વ બેંક પોતાની અસહમતી વ્યક્ત કર્યા બાદ પ્રથમ વાર આરબીઆઇની વેબસાઇટ પર અસહમતી નોંધ પ્રસિદ્ધ થતા ઉત્તર બ્લોક અને બેંકિંગ રેગ્યુલેટર વચ્ચેનું ઘર્ષણ બહાર આવ્યું છે. સીબીઆઇની જેમ આરબીઆઇના કામકાજમાં પણ સરકારના હસ્તક્ષેપથી આરબીઆઇમાં ભારે નારાજગી છે. નીતિ વિષયક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચેના મતભેદો બહાર આવ્યા બાદ બંને વચ્ચે બધું ઠીક નથી. રિઝર્વ બેંકના નાયબ ગવર્નર વિરલ આચાર્યે પણ ગત સપ્તાહે રિઝર્વ બેંકની સ્વતંત્રતાની માગણી કરતા કેન્દ્ર અને આરબીઆઇ વચ્ચેના મતભેદો જોરદાર રીતે બહાર આવી ગયા છે. વિરલ આચાર્યની આરબીઆઇની સ્વાયત્તા અંગેની ટિપ્પણી સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે શેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર સાથેના મતભેદો આરબીઆઇ દ્વારા જાહેર કરવા બદલ સરકારી અધિકારીઓ ભારે વ્યાકૂળ થઇ ગયા છે. જ્યારે બીજીબાજુ મોદી સરકારને એવું લાગે છે કે વિરલ આચાર્યની ટિપ્પણીથી રોકાણકારોમાં ભારતની છબી ખરડાઇ શકે છે. કેન્દ્ર સરકાર અને આરબીઆઇ વચ્ચેની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસે રિઝર્વ બેંકની તરફેણ કરતા આ વિવાદને હવે રાજકીય રંગ લાગી ગયો છે. આરબીઆઇના નાયબ ગવર્નર વિરલ આચાર્યે સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા માટે દબાણ કરતા જણાવ્યું કે સ્વાયત્તાનો અભાવ રિઝર્વ બેંકને પબ્લિક સેક્ટર્સ લેન્ડર્સને નિયમન કરવાથી અટકાવે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ટી-૨૦ મેચની જેમ નિર્ણયો કરે છે જ્યારે આરબીઆઇ ટેસ્ટ મેચની જેમ નિર્ણય લે છે અને દરેક સેશનમાં વિજય હાંસલ કરવાનો પ્રયાસ કરે છે. અગાઉ, તેમણે રિઝર્વ બેંકની અસરકારક સ્વતંત્રતાની હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે સરકારો સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતાને માન આપતી નથી અને આ બાબતથી નજીકના ભવિષ્યમાં નાણાકીય બજારોના રોષનો સામનો કરવો પડશે. સરકાર અને આરબીઆઇ વચ્ચેના સ્પષ્ટ મતભેદો વચ્ચે તેમણે એવું પણ કહ્યું હતું કે આરબીઆઇની સ્વાયત્તા છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરબીઆના નાયબ ગવર્નર દ્વારા સરકાર સામે આકરી ટિપ્પણીઓ કરવામાં આવ્યા બાદ હવે સેન્ટ્રલ બેંકના કર્મચારીઓએ પણ સોમવારે કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે.