(એજન્સી) તા.૨૪
૧૯ નવે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બોર્ડની અભૂતપૂર્વ બેઠક ૯ કલાક ચાલી હતી. આ બેઠકના અંતે જારી કરવામાં આવેલ નિવેદનમાં સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે સંભવિત યુદ્ધ વિરામનો સંકેત આપવામાં આવ્યો હતો. સંભવિત ગજગ્રાહ પર હાલ પૂર્ણવિરામ મૂકાયું છે પરંતુ તેના કારણે રુપિયાનું મૂલ્ય, બોંડ અને બજાર આંક જેવા બજારના નિર્દેશકોએ એવો સંકેત આપ્યો છે કે હજુ બધુ ઠરીઠામ થયું નથી.
આરબીઆઇ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તે લિક્વિડિટી વધારવાના પગલા લેશે અને એમએસએમઇને આપવામાં આવેલ રૂા.૨૫ કરોડની લોનનું રીસ્ટ્રક્ચરીંગ કરશે. સૌથી મોટી જાહેરાત એ કરવામાં આવી હતી કે નજીકના ભવિષ્યમાં એક સમિતિ રચવામાં આવશે અને આરબીઆઇની વધારાની મૂડી ભવિષ્યમાં સરકારને કઇ રીતે ટ્રાન્સફર કરી શકાય તે અંગે આ સમિતિ નિર્ણય લેશે. સરકારને હાલ પૈસાની જરુર નથી પરંતુ ભવિષ્યમાં જ્યારે જરુર પડશે ત્યારે સમિતિ આ માટે કેપિટલ ફ્રેમવર્ક અંગે નિર્ણય લેશે.
આ બધી જાહેરાતોથી લોકોની ચિંતા વધી છે કે હજુ સરકાર અને આરબીઆઇ વચ્ચે બધુ સમુસુથરું પાર પડ્યું નથી. પરંતુ હવે કાયદો બોર્ડને સલાહકારી ક્ષમતામાં કાર્યવાહી કરવાની મંજૂરી આપે છે. હાલ સંચાલનની ભૂમિકા આરબીઆઇના ગવર્નર અને તેમના ડેપ્યુટી પાસે રહે છે પરંતુ આ સભ્યો કોણ છે તે જાણવું જોઇએ. આમ બોર્ડનું બંધારણ જ ચિંતાજનક છે. જો આ બોર્ડ ગાઇડલાઇન્સ જારી કરવાના બદલે આરબીઆઇને સૂચના જારી કરશે તો માત્ર ભારતમાં ંજ નહીં પરંંતુ વિશ્વમાં ખતરાની ઘંટડી રણકી ઊઠશે. કારણ કે ભારત એ વિકસતું અર્થતંત્ર છે.
આ દેશ લેહમેન કટોકટીમાં ઉગરી ગયું તેનું કારણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કામગીરી હતી. હવે સરકાર આરબીઆઇની સ્વાયત્તતા પર લગામ કરવાની કોશિશ કરી રહી છે તેનું કારણ એ છે કે તમામ સરકારો રોકડ ભૂખી હોય છે કારણ કે પૈસા ખર્ચવા એ તેમની જવાબદારી છે. જ્યારે આરબીઆઇની ભૂમિકા સંતુલન અને સ્થિરતા જાળવવાની છે. એનપીએનું મૂલ્ય રૂા.૧૦ લાખ કરોડ જેટલું છે જે ભારતીય ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. બેંકની એનપીએ ૧૫.૫ ટકા છે જે માર્ચ ૨૦૧૯ સુધીમાં વધીને ૧૬.૫ ટકા થઇ જશે.
ચૂંટણી પૂર્વે સરકાર હવે એવું બતાવવા માગે છે કે અમે આરબીઆઇનો અંકુશ લઇ લીધો હતો અને તેમને કેપિટલ રીલીઝ કરવાની ફરજ પાડી હતી કે જે એમએસએમઇને આપવામાં આવશે. આમ ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે સરકાર હજુ આરબીઆઇ પાસે કેપિટલની માગણી કરશે અને તેથી ફરી પાછો સરકાર અને આરબીઆઇ વચ્ચે સંઘર્ષ છેડાઇ શકે છે. આમ હાલ પૂરતું ભલે યુદ્ધ વિરામ થયું હોય પરંતુ હજુ ફરીવખત યુદ્ધ છેડાઇ શકે છે.