રાજકોટ, તા.ર૪
રાજ્યનાં ખેડૂતોને માવઠાથી થયેલી નુકસાની બાદ સરકારે ૩૭૯૫ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ વર્ષે ખરીફ ઋતુમાં ૧૪૬ ટકા વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ખરીફ સિઝનના અંતે પાક લણવાના સમયે થયેલા માવઠાના કારણે સૌરાષ્ટ્ર- ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું તેના બદલ સરકારે જાહેર કરેલી સહાયતા આવતકાલથી ચુકવવામાં આવશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, “આવતીકાલથી સરકાર આ સહાયતાના નાણા ચુકવશે. ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આવતીકાલે સુશાન દિવસથી ખેડૂતોને નાણા ચુકવવાની શરૂઆત કરાશે.” કાલે વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ૫-૭ લાખ ખેડૂતોના ખાતામાં મુખ્યમંત્રીના હસ્તે સીધી સહાયતા ચુકવાશે. મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં નાણા જમા કરાવાશે. રાજકોટના તરઘડી પાસે આર.સી.ફળદુ અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહી નાણા ચુકવાશે. અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં રાહત પેકેજના નાણા ચૂકવાશે. આમ જુદા જુદા વિસ્તારોમાં આઠ કાર્યક્રમ દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી રીતે નાણા જમા કરાવાશે. આર.સી. ફળદુએ જણાવ્યું કે નુકસાનની સહાયતા કરવા માટે સરકારે મેરેથોન મનોમંથનના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તમને નુકસાનીના પ્રમાણમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સહાયતા આપવા માંગે છે. હજુ ૫-૭ દિવસ બાકી છે. ખેડૂત ગ્રામ પંચાયતમાં વી.સી. પાસે જઈ અરજી કરે અને રાહત પેકેજનો લાભ મેળવી શકે છે. મંત્રી ફળદુએ જણાવ્યું કે ‘ભારત સરકારની ગાઇડલાઇન મુજબ પાક વીમાની સહાયતાની ચુકવણીનો આંકડો ૫ વર્ષ સુધી ગોપનીય રાખવાની જોગવાઈ છે. આ નિયમોમાં રાજ્યોને આપવામાં આવેલી છૂટ મુજબ ગુજરાત સરકારે ત્રણ વર્ષ સુધી પાક વીમાની ચુકવણીની રકમ ગોપનીય રાખવાની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ આ અંગે ભ્રમ ફેલાવતી હોય તો તેનું કામ કરે, અમે અમારૂં કામ કરીશું.
વીમા કંપનીઓને વહેલી તકે વીમો ચૂકવવા સૂચના
કૃષિ મંત્રીએ જણાવ્યું કે જ્યારે વાવણી સમયસર ન થઈ હોય કે પછી કુદરતી આપદા હોય ત્યારે વીમાની રકમ ચૂકવવાની તારીખોના નિયમો જુદા છે. બાકી ખરીફ પાકોની સહાયતા ચૂકવણીની છેલ્લી તારીખ ૩૧મી જાન્યુઆરી છે. આ સરકાર ખેડૂતોની પડખે ઉભી રહેનારી સરકાર છે. સરકાર ખેડૂતોને સહાયતા ચૂકવવા માટે મક્કમ છે. છેલ્લો ખેડૂત બાકી હશે ત્યાં સુધી સહાયતા ચૂકવાશે.