આ પત્રમાં ખાને એવા અગિયાર કિસ્સાઓનું વર્ણન કર્યું છે જેમાં મુસ્લિમ સ્ત્રીઓને તેમના પતિએ ત્રણ તલાક આપી દેતાં ભરણપોષણ આપવાનો ઇનકાર કરતાં આ મહિલાઓ મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે

(એજન્સી)                          તા.ર૬

આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના લઘુમતી કમિશનના અધ્યક્ષ આબિદ રસૂલે ખાને ત્રણ તલાક મુદ્દે તેમના સ્ટેન્ડ પર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને જમાત-એ-ઉલેમા પુનઃવિચાર કરવા વિનંતી કરી છે અને કહ્યું છે કે આ મુદ્દો “સંભવિત રીતે મોટું સ્વરૂપ” લઈ શકે છે અને તે મુસ્લિમ અંગત કાયદા (મુસ્લિમ પર્સનલ લૉ) ને સમાપ્ત કરીને સમાન સિવિલ કોડ લાદવા માટેનું કારણ બની શકે છે.

આ બે સંસ્થાઓને લખેલા એક પત્રમાં ખાને જણાવ્યું હતું કેઃ “ઇતિહાસ જે પણ હોય પરંતુ આજે આ મુદ્દો જે સંભવિત રીતે મોટું સ્વરૂપ લઈ રહ્યું છે અને અમારા વ્યક્તિગત કાયદા માટે તે સમસ્યારૂપ બની શકે છે અને યુનિફોર્મ સિવિલ કોડ લાદવાનું કારણ બની શકે છે. મુસ્લિમ ઉલેમાઓને આવા કાયદા બદલવા માટેની સત્તા છે માટે તેઓએ મુસ્લિમોના લાભ માટે પોતાની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ.’’

આ પત્રમાં ખાને એવા અગિયાર કિસ્સાઓનું વર્ણન કર્યું છે જેમાં મુસ્લિમ સ્ત્રીઓને તેમના પતિએ ત્રણ તલાક આપી દેતા ભરણપોષણ આપવાનો ઇનકાર કરતાં આ મહિલાઓ મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે.

આબિદ રસૂલે ખાને ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આજે ત્રણ તલાક એક વિશાળ સામાજિક સમસ્યા બની ગઈ છે. જ્યારે લગ્ન જીવન નિષ્ફળ જાય છે, તો પુરુષ તલાક લઈને બીજા લગ્ન કરી લે છે જ્યારે સ્ત્રી અને તેનું કુટુંબ પીડાય છે. આ બદલવાની જરૂર છે. અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મહિલાઓના અધિકારો રક્ષણ કરવા માટે કંઈક કરવું જોઈએ.’’

તેમણે તેમના પત્રમાં એ પણ જણાવ્યું છે કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને અહી અંગત ધાર્મિક કાયદાઓને માન્યતા આપવામાં આવી છે. અને આ કાયદાઓમાં જ્યારે માનવ અધિકારનું ઉલ્લંઘન જોવા મળે છે તો કોર્ટ તેના વિશે ટકોર કરતાં તેની વિરુદ્ધ ચુકાદો આપે છે. … .જો આવું થતું રહેશે તો AIMPLB દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાદવા માટેનૂ માર્ગ મોકળો કરવા માટે નિમિત્તરૂપ બનશે’’