મોસ્કો,તા.૧૭
ફૂટબોલ વર્લ્ડકપ સમાપ્ત થયો અને આ વર્લ્ડકપના કારણે ફૂટબોલ જગતમાં ઘણા નવા સુપરસ્ટારનો ઉદય થયો છે. આ સુપર સ્ટાર્સમાં એક બેલ્જીયમનો એડન હેઝાર્ડ પણ છે અને હેઝાર્ડને આ ફૂટબોલ વર્લ્ડકપના કારણે રીતસરની લોટરી લાગી ગઈ હોય તેવી હાલત છે.
એડન હેઝાર્ડ ૨૭ વર્ષનો છે અને છેલ્લાં છ વર્ષથી ચેલ્સી ક્લબ તરફથી રમતો હતો પણ તેને ટોપ પ્લેયર્સમાં નહોતો ગણવામાં આવતો. આ વર્લ્ડકપના દેખાવના કારણે હેઝાર્ડ સ્ટાર બની ગયો છે અને તેને ટોચની ક્લબ રીયલ મેડ્રિડે ૨૭૦ મિલિયન ડોલર એટલે કે ૧૮૧૨ કરોડ રૂપિયાની ઓફર કરી છે.
હેઝાર્ડ આ ઓફર સ્વીકારશે તો તે નવો રેકોર્ડ બનાવશે. હેઝાર્ડ બેલ્જીયમનો ફોરવર્ડ પ્લેયર છે અને તેણે વર્લ્ડકપમાં માત્ર બે ગોલ કર્યા હતા પણ તે જે રીતે સતત બોલને પોતાની પાસે રાખતો તેના કારણે તેનાથી ક્લબના સત્તાધીશો પ્રભાવિત થઈ ગયા છે.
બેલ્જીયમને આ વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કર્યો હતો અને સેમી ફાઈનલ સુધી પહોંચી હતી. સેમી ફાઈનલમાં બેલ્જીયમનો ફ્રાન્સ સામે પરાજય થયો હતો. જોકે ત્રીજા સ્થાન માટેની મેચમાં બેલ્જીયમે ઈંગ્લેન્ડને હરાવીને સેમી ફાઈનલની હારની નિરાશાને થોડી હળવી કરી દીધી હતી.