(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૪
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ર૬ બેઠકો માટે ગત રોજ થયેલ મતદાનના સત્તાવાર આંકડા ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ ગુજરાતમાં સરેરાશ ૬૪.૧૧ ટકા મતદાન નોંધાવવા પામ્યું હતું. જે ગુજરાતના લોકસભા ચૂંટણીના મતદાનના ઈતિહાસમાં નવો રેકર્ડ સર્જતો મતદાન છે. જે મોદી લહેર વખતના ર૦૧૪ની ચૂંટણીના ૬૩.૬૬ ટકા મતદાન કરતા પણ ૦.પપ ટકા જેટલું વધુ મતદાન નોધાયેલ છે. રાજ્યમાં સત્તાવાર રીતે સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર ૭પ.ર૧ ટકા અને સૌથી ઓછું મતદાન અમરેલીમાં પપ.૭પ ટકા નોંધાવવા પામ્યું છે. આ વખતે રાજ્યમાં ત્રીજી જાતિના (ટ્રાન્સજેન્ડર) સૌપ્રથમવાર ૯૯ર મતદારો કુલ હતા. તેમાંથી ર૪૮ મતદારોએ મતદાન કર્યું હતું. જે દર્શાવે છે કે તેઓએ મતદાનમાં સારો એવો ઉત્સાહ દર્શાવ્યો છે. ગુજરાતમાં આ વખતે લોકસભાની સાથે વિધાનસભાની ચાર બેઠકો ઊંઝા, જામનગર (ગ્રામ્ય), માણાવદર અને ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ૬ર.૭૭ ટકા સરેરાશ મતદાન નોંધાવવા પામ્યું હતું. જે લોકસભાની ચૂંટણીના મતદાન કરતા થોડું ઓછું રહેલ છે. આ ચાર બેઠકો પૈકી પણ સૌથી વધુ ઊંઝા બેઠક પર ૬પ ટકા મતદાન અને સૌથી ઓછું ધ્રાંગધ્રા બેઠક પર ૬૦.૮૬ ટકા મતદાન નોંધાવવા પામ્યું છે. રાજ્યમાં જો કે આ વખતે કાળઝાળ ગરમીને લઈ મતદાન ઓછું રહેવાની દહેશત વચ્ચે સારું એવું મતદાન નોંધાતા રાજકીય પક્ષો પણ વિચારતા થઈ ગયા હતા. જેમાં પણ લોકસભાની ચૂંટણી માટે ર૬ બેઠકો પર સરેરાશ ૬૪.૧૧ ટકા મતદાન હમણાં સુધીનું સૌથી વધુ મતદાન બની રહેતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે. એટલે કે રાજ્યના મતદારોએ રાજકીય પક્ષોના ગણિતને પણ ઊંધુ પાડ્યું હતું. જો કે આ વધુ મતદાન પણ ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીના સરેરાશ ૬૯ ટકા મતદાન કરતાં ઓછું રહેવા પામેલ છે. એટલે કે લોકસભાની ચૂંટણી કરતાં રાજ્યમાં વિધાનસભાનું મતદાન વધુ રહેતું આવ્યું છે. રાજ્યમાં આ વખતની ચૂંટણીમાં અગાઉની જેમ જ શહેરી વિસ્તારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ રહેલ છે જેમાં પણ રાજ્યના આદિવાસી વિસ્તારો મતદાનની ટકાવારીમાં મેદાન મારી ગયા છે. વલસાડ બેઠક કે જે મતદાનમાં સૌથી ટોપ પર છે ત્યાં પણ આદિવાસી મતદારો મુખ્ય પ્રમાણમાં છે. તે પછીના ક્રમે બારડોલી બેઠકમાં ૭૩.પ૭ ટકા અને તે બાદ છોટાઉદેપુર ૭૩.૪૪ તથા ભરૂચ ૭૩.ર૧ મતદાનમાં આગલા ક્રમે રહેલ છે. ત્યારે આ તમામ બેઠકોમાં આદિવાસી પટ્ટીના મતદારો મુખ્ય પ્રમાણમાં છે. એટલે કે આદિવાસી પટ્ટીની બેઠકોએ મતદાનમાં અન્ય સમાજને પાછળ મૂકી દીધું છે. જ્યારે રાજ્યની પાંચ બેઠકો પર ૬૦ ટકાથી પણ ઓછું મતદાન રહ્યું છે. જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર અને કચ્છ બેઠકનો સમાવેશ થાય છે. આની સામે રાજ્યમાં આ વખતે ત્રીજી જાતિ ( ટ્રાન્સજેન્ડર)ના મતદારોની સંખ્યા વધી છે એટલે કે કુલ ૯૯ર મતદારો રાજ્યમાં આવા નોંધાયા છે. જે પૈકી ર૪૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે મુજબ રપ ટકા જેટલા ટ્રાન્સજેન્ડ મતદારોએ મતદાનમાં પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. મતદાન બાદ રાજ્યની લોકસભાની ર૬ બેઠકોના કુલ ૩૭૧ ઉમેદવારોનું અને વિધાનસભાની ચાર બેઠકના ૪પ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થતાં હવે તા.ર૩મી મેએ મતગણતરીના દિવસે તેમનો ફેંસલો થશે.

લોકસભા બેઠક કુલ મતદારો મતદાન થયું ટકાવારી
કચ્છ ૧૭,૪૩,૮૨૪ ૧૦,૧૫,૨૩૪ ૫૮.૨૨
બનાસકાંઠા ૧૬,૯૬,૧૧૩ ૧૦,૯૭,૧૩૨ ૬૪.૬૯
પાટણ ૧૮,૦૫,૨૨૩ ૧૧,૧૮,૭૯૩ ૬૧.૯૮
મહેસાણા ૧૬,૪૭,૪૭૦ ૧૦,૭૬,૯૫૭ ૬૫.૩૭
સાબરકાંઠા ૧૭,૯૭,૨૧૧ ૧૨,૦૮,૩૮૨ ૬૭.૨૪
ગાંધીનગર ૧૯,૪૫,૧૪૯ ૧૨,૭૫,૩૯૪ ૬૫.૫૭
અમદાવાદ (પૂર્વ) ૧૮,૦૯,૮૪૧ ૧૧,૦૯,૭૧૩ ૬૧.૩૨
અમદાવાદ (પશ્ચિમ) ૧૬,૪૨,૭૨૦ ૯,૯૧,૭૦૧ ૬૦.૩૭
સુરેન્દ્રનગર ૧૮,૪૭,૮૭૮ ૧૦,૬૮,૯૪૬ ૫૭.૮૫
રાજકોટ ૧૮,૮૩,૮૬૬ ૧૧,૮૯,૭૧૧ ૬૩.૧૫
પોરબંદર ૧૬,૬૦,૯૩૨ ૯,૪૩,૨૮૦ ૫૬.૭૯
જામનગર ૧૬,૫૬,૦૦૬ ૧૦,૦૫,૨૫૨ ૬૦.૭૦
જૂનગઢ ૧૬,૪૧,૫૨૮ ૯,૯૬,૯૮૬ ૬૦.૭૪
અમરેલી ૧૬,૨૭,૯૮૦ ૯,૦૭,૫૫૪ ૫૫.૭૫
ભાવનગર ૧૭,૬૮,૦૪૦ ૧૦,૩૨,૧૧૦ ૫૮.૮૧
આણંદ ૧૬,૫૫,૩૪૨ ૧૧,૦૫,૫૮૭ ૬૬.૭૯
ખેડા ૧૮,૦૩,૧૩૩ ૧૦,૯૪,૧૩૪ ૬૦.૬૮
પંચમહાલ ૧૭,૪૩,૨૩૩ ૧૦,૭૬,૦૮૮ ૬૧.૭૩
દાહોદ ૧૫,૯૭,૮૭૦ ૧૦,૫૭,૪૫૩ ૬૬.૧૮
વડોદરા ૧૭,૯૪,૩૮૩ ૧૨,૧૭,૫૯૧ ૬૭.૮૬
છોટાઉદેપુર ૧૬,૭૦,૫૫૨ ૧૨,૨૬,૮૯૮ ૭૩.૪૪
ભરૂચ ૧૫,૬૪,૨૦૫ ૧૧,૪૫,૨૨૯ ૭૩.૨૧
બારડોલી ૧૮,૨૬,૧૮૯ ૧૩,૪૩,૫૭૮ ૭૩.૫૭
સુરત ૧૬,૫૫,૬૫૮ ૧૦,૬૬,૩૬૨ ૬૪.૪૧
નવસારી ૧૯,૭૧,૪૬૫ ૧૩,૦૩,૦૮૬ ૬૬.૧૦
વલસાડ ૧૬,૭૦,૮૬૮ ૧૨,૫૬,૭૦૨ ૭૫.૨૧
કુલ ૪,૫૧,૨૫,૬૮૦ ૨,૮૯,૨૯,૮૫૩ ૬૪.૧૧