(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વોટર રીસાઈકલ પોલિસીની આજે જાહેરાત કરી છે. દેશભરમાં પ્રથમ એવી આ પોલિસી હેઠળ રાજ્યમાં રીટ્રીટ કરાયેલ વોટરનો પુનઃ ઉપયોગ કરવાની દિશામાં લક્ષ્યાંકો નક્કી કરાયા છે. આ નવી પોલિસીની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પાવરગ્રીડની જેમ વોટરગ્રીડ તૈયાર કરનારા ગુજરાત રાજ્યની આ પોલિસી ગંદા પાણીના શુદ્ધિકરણનું “વોટર રીટ્રીટ મેનેજમેન્ટ” સમગ્ર દેશને રાહ ચિંધશે.
મુખ્યમંત્રીએ ગટરના શુદ્ધ કરેલા પાણીના પુનઃ ઉપયોગ અંગેની નીતિ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે પાણીના અન્ય ઉપયોગ માટે ભૂગર્ભજળ ઉપરના ભારણને ઘટાડવું પડશે, સરફેસ વોટરના ઉપયોગને ઘટાડવું પડશે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ભાવિ જરૂરિયાતને ધ્યાને રાખી હવે આપણે રીસોર્સ, રીટ્રીટ, રીડ્યુસ અને રીયુઝની નીતિ અપનાવવી પડશે. પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા નવા નવા રીસોર્સ-સ્ત્રોતનું નિર્માણ કરવું પડશે. ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા-રીટ્રીટ કરવા નક્કર આયોજન કરવું પડશે. પાણીનો બિનજરૂરી ઉપયોગ ‘‘રીડ્યુસ’’ અટકાવવો પડશે અને પાણીના પુનઃવપરાશ રી યુઝને અપનાવવું પડશે. પાણી વગર વિકાસ શક્ય નથી. આપણે ગુજરાતને પાણીદાર બનાવવું છે અને દુષ્કાળને ભૂતકાળ બનાવવાનો છે. આ સંકલ્પ સાથે ગુજરાતે આ મહિને ત્રણ નિર્ધાર કર્યા હતા તેની ફલશ્રુતિ વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાણીની જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકારે ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા ડીસેલીનેશન પ્લાન્ટ તૈયાર કરવા પ્રયાસો હાથ ધર્યા છે. આવા એક પ્લાન્ટને મંજૂરી મળી ગઇ છે, બીજા પ્લાન્ટ માટે કાર્યવાહી ચાલુ છે. આવા આઠ-દસ ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા પીવાનું મીઠું પાણી તૈયાર કરવાનો રાજ્ય સરકારે પ્રારંભ કરી દીધો છે. રાજ્ય સરકારનો બીજો નિર્ધાર ભરૂચ નજીક ભાડભૂત યોજનાને સાકાર કરવાનો છે જે અંતર્ગત ભાડભૂત યોજનાના મુખ્ય વિયર રૂા.૨૮૦૦ કરોડના કાર્ય માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે જ્યારે ત્રીજો નિર્ધાર એટલે ‘‘રીયુઝ’’ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી’’ તૈયાર કરવાનો હતો જે આજે સાકાર થઇ રહ્યો છે. રાજ્ય સરકારે હવે પાણીની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા નર્મદા અને ભુગર્ભજળ જેવા કુદરતી સ્ત્રોત ઉપરાંત અન્ય સ્ત્રોત શોધીને નક્કર આયોજન હાથ ધર્યુ છે હવે નર્મદા યોજના-ભૂગર્ભ જળ, ડિસેલીનેશન વોટર – રીટ્રીડ વોટર વગેરે જળસ્ત્રોતો દ્વારા ગુજરાત રાજ્ય ભાવિ વોટર મેનેજમેન્ટ હાથ ધરશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરની નગરપાલિકા-મહાનગરપાલિકા દ્વારા ૧૫૦ થી વધુ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવા અને પાણીની જરૂરિયાતના ૫૦ ટકા રીટ્રીટ વોટર પહોંચાડવા રાજ્ય સરકારે આ નીતિ દ્વારા સધન આયોજન હાથ ધર્યુછે. જેમાં રાજ્યના ઓદ્યોગિક એકમોનું યોગદાન મહત્વનું બની રહેશે કારણ કે રીટ્રીટ વોટરના સૌથી મોટા વપરાશકારો ઓદ્યોગિક એકમો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગટરના શુદ્ધ કરાયેલા પાણીના પુનઃ ઉપયોગ અંગેની રાજ્ય સરકારની નવતર નીતિને આવકારીને ઉમેર્યું કે, આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને ચોક્કસ રાહ ચીંધશે. રાજ્ય સરકારના આ નવતર અભિગમને પરિણાામે ભૂગર્ભ અને સરફેસ વોટરનો વપરાશ ઘટશે અને રીટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને સસ્તાદરે મળે તો ઉદ્યોગકાર-નાગરિકોના નાણાની બચત થશે. દરરોજનો ૬૦૦ થી ૭૦૦ કરોડ લિટરનો પાણીનો વપરાશ છે ત્યારે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તે જરૂરી છે. સાથે સાથે આ પોલીસીના માધ્યમ દ્વારા ટ્રીટમેન્ટ કરાયેલું પણી પણ ઉદ્યોગગૃહોને પુરૂ પડાશે.