(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે આજે જયારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા તે વખતે વડાપ્રધાન મોદી તેમને રેડ કાર્પેટ પર આવકારવા પહોંચી ગયા હતા. આ રેક કાર્પેટ પર ટ્રમ્પ અને મોદીની સાથે ચાલતી એક મહિલાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું આ મહિલા કોણ છે અને આ બંને સાથે કેમ જોવા મળી તે ચર્ચાએ જોર પકડયું હતું જો કે વડાપ્રધાન મોદીના તમામ વિદેશ પ્રવાસોમાં આ મહિલા જોવા મળે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ તેમનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એરપોર્ટ પર પાથરવામાં આવેલા રેડ કાર્પેટમાં એક મહિલા જોવા મળ્યા હતા. આ મહિલાનું નામ ડો. ગુરદીપ કૌર ચાવલા છે. તેઓ વડાપ્રધાન મોદીના અનુવાદક છે. વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે જાય ત્યારે હિન્દીમાં જ વાતચીત કરે છે અને તેમના ભાષણો પણ હિન્દીમાં હોય છે ત્યારે ડો. ચાવલા વડાપ્રધાન મોદીના ભાષણોનો અંગ્રેજી અથવા તો અન્ય ભાષામાં અનુવાદ કરે છે. તેઓ અમેરિકન ટ્રાન્સલેટર એસોસિએશનના સભ્ય છે. ડો. ગુરદીપ ચાવલાના કેરિયરની શરૂઆત સંસદથી થઈ હતી. વર્ષ ૧૯૯૦માં તેઓ સંસદમાં કામ કરતા હતા, ત્યાર બાદ અમેરિકા સ્થાયી થઈ ગયા હતા. ડો. ગુરદીપ ચાવલા વર્ષ ર૦૧૦માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે તેમના અનુવાદક તરીકે ભારત આવ્યા હતા. જો કે હાલમાં તેઓ વડાપ્રધાન મોદીના અનુવાદક તરીકે કામ કરે છે. ડો. ગુરદીપ કૌર ચાવલાને વિવિધ ભાષાઓનું જ્ઞાન છે અને તેઓ એક સારા અનુવાદક છે અને વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસોમાં તેમને સ્થાનિક લોકો સાથે જોડવાનું કામ કરે છે.