અમદાવાદ,તા.૨૮
કલોલની આઇઆરસી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષીય કોમ્પ્યુટર એન્જિનીયર વિદ્યાર્થી છેલ્લા પંદર દિવસથી લાપતા બનતાં તેમ જ હજુ સુધી તેની લાશ પણ નહી મળતાં તેના પિતા ભાનુપ્રસાદ પુરુષોત્તમભાઇ પટેલે તેમના પુત્રની હત્યા થઇ ગઇ હોવાનો આરોપ લગાવ્યો છે. પોતાના બે મિત્રો સાથે ગયેલો પોતાના એકના એક પુત્રના કથિત મર્ડર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાના બે સપ્તાહના પ્રયાસ બાદ પણ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં એફઆઇઆર જ દાખલ નહી કરતાં વ્યથિત પિતાએ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આર. જે. ગોસ્વામી મારફતે રાજયના ગૃહસચિવ, ડીજીપી, કલોલ ડીવાયએસપી, ગાંધીનગર ડીએસપી, કલોલ ટાઉન પોલીસમથકના પીઆઇ સહિતના સત્તાધીશોને કાનૂની નોટિસ પાઠવી છે. એટલું જ નહી, પુત્રના કિસ્સામાં એફઆઇઆર નોંધાય અને ગુનેગારોને સજા કરાવવા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ વિદ્યાર્થીના પિતાએ ઉચ્ચારી છે. કલોલની વખારિયા વાડીની પાછળ ગણપતિ સોસાયટી ખાતે રહેતાં ભાનુપ્રસાદ પટેલે રાજયના ગૃહસચિવ સહિતના સત્તાધીશોને ફટકારેલી કાનૂની નોટિસ અંગે એડવોકેટ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ફરિયાદી ભાનુપ્રસાદ પટેલનો એકનો એક પુત્ર સુધીર(ઉ.વ.૧૯) કલોલની આઇઆરસી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તા.૧૨-૮-૧૭ના રોજ સુધીર તેના બે મિત્રો સાવન રાજુભાઇ નાયક અને વિશાલ ઇશ્વરભાઇ પટેલ સાથે ફરિયાદીની બાઇક લઇને કાસવા કડી ખાતે મંદિરે દર્શન કરવાનું કહીને નીકળ્યો હતો પરંતુ મોડી સાંજ અને રાત પડી જવા છતાં તે નહી આવતાં ફરિયાદીએ આડોશ પાડોશ, મિત્રવર્તુળ, સગાવ્હાલા અને સંભવિત સ્થાનો પર તપાસ કરવા છતાં તેની ભાળ ના મળી. ફરિયાદીએ કલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ એન્ટ્રી પણ કરાવી હતી. તા.૧૪-૮-૧૭ના રોજ પોલીસને સુધીરની સાથે ગયેલા બે મિત્રો સાવન નાયક અને વિશાલ પટેલે જાણકારી આપી હતી કે, સુધીર અને તેઓ લાકરોડા ખાતે નદીમાં ન્હાવા ગયા હતા અને ત્યાં તે તણાઇ ગયો હતો. જેથી ફરિયાદીએ પોલીસની હાજરીમાં લાકરોડા ખાતે સાબરમતી નદીમાં તપાસ કરાવી પરંતુ તેમના પુત્રની લાશ મળી ન હતી. ફરિયાદી પિતાએ સૌથી મહત્વના મુદ્દા પર પોલીસનું ધ્યાન દોર્યું હતું કે, તેમના પુત્રના બંને મિત્રોએ બનાવના બે દિવસ સુધી તેઓ લાકરોડા ગયા હતા અને તેમનો પુત્ર ડૂબી ગયો છે તે હકીકત પરત્વે પોલીસનું ધ્યાન દોર્યું નથી.
એટલું જ નહી, ફરિયાદીની જે બાઇક લઇને તેઓ ગયા હતા, તે બાઇક બંને મિત્રો કલોલની એક ફેકટરી પાસે મૂકીને જતા રહ્યા હતા. વળી, લાકરોડા નદી કિનારે હનુમાન મંદિરે લગાવેલા સીસીટીવીના ફુટેજમાં તેમના પુત્ર અને તેના બંને મિત્રોએ દર્શન કર્યાનું દેખાય છે પરંતુ વળતી વખતના સીસીટીવી ફુટેજમાં બાઇક પર માત્ર બે મિત્રો જ દેખાય છે, તેમનો પુત્ર નહી. આ સંજોગોમાં નક્કર પુરાવાઓ હોવાછતાં અને બંને મિત્રો સાવન નાયક અને વિશાલ પટેલ દ્વારા ફરિયાદીના પુત્રની હત્યા કરી લાશ સગેવગે કરી દેવાઇ હોવાની પૂરી આશંકા છે પરંતુ તેમછતાં પોલીસ સમગ્ર પ્રકરણમાં એફઆઇઆર નોંધતી નથી અને ભીનુ સંકેલી રહી છે. ફરિયાદી પિતાએ આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવી ન્યાયની ગુહાર લગાવવાની ચીમકી પણ સત્તાવાળાઓને આપી છે.