(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૦
પાકિસ્તાનના ૨૨મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પોતાના પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધનમાં ઇમરાનખાને જણાવ્યું કે પાકિસ્તાન તેના પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા માગે છે. ઇમરાનખાને કહ્યું હતું કે તેમની સરકાર ઇચ્છે છે કે બંને પક્ષોના નેતાઓ મંત્રણા દ્વારા કાશ્મીરના મુખ્ય મુદ્દા સહિત બધા વિવાદો ઉકેલવામાં આવે. તેમણે પાકિસ્તાનના પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા માટે વાત કરી છે. શાંતિની જરૂર છે અને તેના વગર આપણે પાકિસ્તાનની સ્થિતિ સુધારી શકતા નથી. તેમણે એવું પણ જણાવ્યું કે ત્રાસવાદ સામેની લડતમાં તેમની સરકાર રાષ્ટ્રીય પગલાં યોજના (એનએપી) દ્વારા કોઇ કચાસ બાકી રાખશે નહીં. તેમણે એવું પણ કહ્યું કે બધા પક્ષો સાથે સર્વસંમત્તિથી રાષ્ટ્રીય પગલા યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. એનએપીને સંપૂર્ણપણે અમલી બનાવવા માટે અમે કામ કરીશું અને ત્રાસવાદના દુષણ સામે લડીશું. ભ્રષ્ટાચારના સફાયાની રૂપરેખા તૈયાર કરવાની બાબત પર ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ૬૫ વર્ષીય ઇમરાનખાને ભાર આપીને જણાવ્યું કે પાકિસ્તાનને બચાવવા માટે તેમણે ભ્રષ્ટ લોકો પર ગાળીયો મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાન નિવાસ ખાતે ૫૨૪ સેવકને બદલે તેઓ માત્ર બે સેવક તેમ જ ૮૦ કારને બદલે માત્ર બે કાર જ રાખશે અને તેમની સરકાર બાકી બુલેટ પ્રૂફ કારની હરાજી કરશે. એટલું જ નહીં તોએ માત્ર ત્રણ બેડરૂમવાળા આવાસમાં રહેશે. કરવેરાની આવક દેશના નાગરિકોના કલ્યાણ પાછળ ખર્ચવાનું વચન આપતા ઇમરાનખાને જણાવ્યું કે તેઓ કરકસરના પગલાં દ્વારા દેશના કરદાતાઓના નાણા બચાવશે. અમે લોકોને દરરોજ જણાવીશું કે અમે કેટલા નાણા બચાવ્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની ભૂતપૂર્વ સરકારો સામે પ્રહારો કરતા ઇમરાન ખાને જણાવ્યું કે જ્યારે નેતાગીરી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી હોય ત્યારે દેશની બધી સંસ્થાઓ ધ્વસ્ત થઇ જાય છે. ઇમરાનખાને ન્યાયતંત્ર, શિક્ષણ અને આરોગ્યની દેખભાળની કાયાકલ્પ કરવા, સિવિલ સેવાઓ સુધારવા, યુવાઓને રોજગારીની તકો પુરી પાડવા અને જળ સંકટ ખતમ કરવા માટે ડેમ બનાવવાની પણ વાત કરી છે.

વડાપ્રધાન આવાસમાં નહીં, સૈન્ય સચિવના આવાસમાં રહીશ : ઇમરાનખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને જણાવ્યું કે તેઓ વડાપ્રધાનના આવાસમાં નહીં પરંતુ સૈન્ય સચિવના ત્રણ બેડરૂમવાળા આવાસમાં રહેશે. રાષ્ટ્રજોગ સંબંધોનમાં તેમણે દેશના ખર્ચની સાથે પોતાના પર થનારા ખર્ચમાં પણ કરકસર કરવાની તેમણે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ બાનીગાલામાં પોતાના આવાસમાં રહેવા માગતા હતા પરંતુ સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે તેમના જીવ સામે ખતરો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન આવાસમાં ૫૨૪ સેવક અને ૮૦ કાર છે. વડાપ્રધાન એટલે મારી પાસે ૩૩ બુલેટપ્રૂફ કાર પણ છે. ઉડાન ભરવા માટે હેલિકોપ્ટર અને વિમાન પણ આપણી પાસે છે. આપણે ત્યાં ગવર્નનો વિશાળ આવાસ છે અને આરામની બધી વસ્તુઓ છે. તેમણે કહ્યું કે એકતરફ આપણી પાસે પોતાના લોકો પર ખર્ચ કરવા માટે નાણા નથી અને બીજીબાજુ કેટલાક લોકો એવી રીતે રહે છે જેમ ઉપનિવેશક સ્વામી રહેતા હતા. ઇમરાનખાન ૫૨૪ નોકરોને બદલે માત્ર બે નોકર રાખશે અને ત્રણ બેડરૂમવાળા આવાસમાં રહેશે તેમ જ બે કાર રાખશે. તેમની સરકાર બધી બુલેટપ્રૂફ કારની હરાજી કરશે. આ કાર્સ ખરીદવા માટે વેપારીઓેને આમંત્રણ આપવામાં આવશે.ે