(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધમાં આજે જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ અંત્રોલીથી ટ્રેક્ટર રેલી કાઢીને જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ આજે સવારે અંત્રોલી ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા હતા. જિલ્લામાંથી કિમામલી, મુળદ, કુડસદ, શેખપુર, અંત્રોલી, મોહણી, ભાટીયા સહિત ૧૫ ગામોની ૧૮૦ હેક્ટર જમીન બુલેટ ટ્રેન માટે સંપાદન થવાની છે. ઉપરોક્ત ગામના ૨૦૦ થી વધુ ખેડૂતો આજે ટ્રેક્ટર સાથે રેલીમાં જોડાઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. અંત્રોલી ગામથી નિકળેલી ટ્રેક્ટર રેલી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને ખેડૂત આગેવાન જયેશ પટેલ દ્વારા ખેડૂતોના વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. વાહન રેલી અને જિલ્લા સેવા સદન ખાતે ખેડૂતો દ્વારા બુલેટ ટ્રેન હાય-હાય, જાન દેંગે જમીન નહીં દેગે, નહીં ચલેગી નહીં ચલેગી બુલેટ ટ્રેન નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ખેડૂતો દ્વારા બુલેટ ટ્રેનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂત અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને ૧૪ જેટલા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત, મહારષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની જમીન સંપાદન થવાની છે. આઉટર રિંગરોડ, ડેડીકેટેડ ફ્‌ેઈટ કોરીડોર માટે જમીન સંપાદન કરાયા બાદ હવે બુલેટ ટ્રેન માટે કરોડની ઉપજાઉ ફળદ્રુપ ખેતીની કિંમતી જમીન સંપાદનનો ખેડૂતોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન થવાથી કેટલાક ખેડૂતોનું ખેડૂત તરીકેનું અસ્તિત્વ જ મટી જશે. જ્યારે કેટલાક ખેડૂતોની જમીન બે હિસ્સામાં વહેંચાઈ જવાથી ખેતી કરવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
દક્ષિણ ગુજરાતની બજાર કિંમત અને જંત્રીની કિંમતમાં જમીન આસમાનનો ફરક છે. ખેડૂતોની કરોડોની જમીનના સરકાર દ્વારા કોડીના ભાવ ચૂકવવામાં આવશે તેથી ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જમીન ભલે સંપાદન થાય પરંતુ ખેડૂતોને જંત્રીના બદલે બજાર કિંમત પ્રમાણે ચૂકવણી થાય તેવી માંગ કરવામાં આવી છે.