(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૧૪
ભૂજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયુટમાં રૂઢિગત વિચારોનો અમલ કરવાના નામે હોસ્ટેલની ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવી માસિક ધર્મની ચકાસણી કરવાના પ્રકરણે કચ્છ સહિત રાજ્યભરમાં ચકચાર મચી જતાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ સમિતિની રચના કરવામાં આવતાં આ તપાસ સમિતિએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ જિલ્લા કલેકટરને સોંપ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. આખરે પોલીસે આ મામલે ભૂજ કોલેજના પ્રિન્સિપાલ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ ચકચારી પ્રકરણની પૂર્વ વિગત એવી છે કે, ભૂજના મિરઝાપર રોડ ઉપર ભૂજ સ્વામીનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયુટ કાર્યરત છે. સ્વામીનારાયણ સંપ્રદાયના નિયમ મુજબ માસિક ધર્મમાં હોય તેવી તમામ વિદ્યાર્થિનીઓને રસોડામાં અલગ જમવાનું અને અન્યોથી દૂર બેસવાનું હોય છે. આથી માસિક ધર્મમાં કોણ છે તેવી તપાસ કરવા માટે તા.૧૧/રના રોજ પ્રિન્સિપાલની ચેમ્બરમાં વોશરૂમમાં ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓના એક પછી એક વસ્ત્ર ઉતરાવી માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. શરમજનક સ્થિતિમાં મૂકાયેલી વિદ્યાર્થિનીઓમાંથી વાત વાલીવર્ગ સુધી પહોંચતા રોષ ફેલાયો હતો અને આ મામલો બહાર આવતા જ તા.૧૩/રના રોજ એક તપાસ સમિતિ નીમવામાં આવી હતી જેમાં કચ્છ યુનિ.ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ.દર્શના ધોળકિયા, અંગ્રેજી વિભાગના વડા ડૉ.કાશ્મીરા મહેતા, અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ.કલ્પના સતીજા, રજિસ્ટ્રાર ડૉ.તેજલ શેઠ અને ડીન પી.એસ.હિરાણી સહિતના સભ્યોની સમિતિએ તા.૧૩/રના બપોર પછી હોસ્ટેલમાં છોકરીઓની જુબાની લીધી હતી. ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરવામાં આવી હતી. અમે તમામ વિગતો જાણી સમિતિનો રિપોર્ટ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ને સુપરત કરવામાં આવ્યો છે તેવું કચ્છ યુનિ.ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડૉ.દર્શના ધોળકિયાએ જણાવ્યું હતું. સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયુટના ટ્રસ્ટી પ્રવિણ પીંડોરિયાએ મીડિયાને જણાવ્યું કે, આ પ્રકરણના જવાબદારો સામે પગલાં ભરીશું. દરમિયાન તપાસ સમિતિમાં વિદ્યાર્થિનીઓએ જે બયાન આપ્યું છે તે મુજબ તા.૧૧/રના રોજ હોસ્ટેલના પ્રિન્સિપાલ, એડમિનિસ્ટ્રેટર, શિક્ષિકા દ્વારા ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવી માસિક ધર્મની ચકાસણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થિનીઓને રાખવામાં આવેલ છે તે સંકુલ સ્વામીનારાયણ મંદિર દ્વારા ચાલે છે અને ટ્રસ્ટી પ્રવિણ પીંડોરિયા કચ્છ જિલ્લા ભાજપના અગ્રણી તથા પદાધિકારી છે.