અમદાવાદ, તા.૧૮
પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય થયા બાદ પાસ છોડી ભાજપ સક્રિય બનેલા રેશમા પટેલે વાઈબ્રન્ટ ગુજરાતના નામે પ્રજાના પૈસા લૂંટાઈ રહ્યાનું જણાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. રેશમાએ કહ્યું કે, ગુજરાતના ગૌરવને વધારવા માટે કરોડો રૂપિયાના ધુમાડા કરવાવાળા નેતાઓ આ ત્રણ દિવસની ચાંદની પછી લોકોને અંધારામાં ધકેલી ગાયબ થઈ જાય છે. પાસ છોડીને ભાજપમાં સક્રિય બનેલા રેશમા પટેલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આરંભ પહેલાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અન્યાય થયો હોવું જણાવી વિવાદ સર્જયો હતો. તેના ત્રણ દિવસ પછી આજે રેશમા પટેલે ફરી એકવાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટના કરોડો રૂપિયાના ખર્ચાઓને ઉડાઉ અને ખોટા ગણાવ્યા છે. રેશમા પટેલે કહ્યું કે, ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાતના નામે પ્રજાના પૈસા લૂંટાઈ રહ્યા છે, જ્યારે પાંચ દિવસથી ખડેપગે ઊભેલી પોલીસના જમવાના પણ કોઈ ઠેકાણા નથી, પરંતુ મહેમાનોને પીરસાઈ રહી છે રૂપિયા ચારથી છ હજારની ભોજનની થાળી ! રેશમા પટેલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ વાઈબ્રન્ટ મહેમાનોના ભોજનમાં પીરસાઈ રહ્યા છે. ખેડૂતોની પરસેવાની કમાણી, બેરોજગાર યુવાનોના તૂટેલા સપના, મહિલાઓની સુરક્ષાની ખોખલી વાતો, બળાત્કારીઓને સજા માટે ન્યાય માંગતી બાળકીઓની ચીસો અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પ્રજાના આંસુ. તેમણે પ્રશ્ન કર્યો છે કે, શું ચારેય બાજુ લાખોના ખર્ચે પથરાયેલી લાઈટની ચમક-ધમકથી ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર રૂપી અંધારૂં ગાયબ થઈ જશે ? રેશમા પટેલે કહ્યું કે, ગુજરાતના ગૌરવને વધારવા લોકોના કરોડો રૂપિયાના ધુમાડા કરવાવાળા નેતાઓ ત્રણ દિવસની ચાંદની પછી લોકોને અંધારામાં ધકેલી ગાયબ થઈ જાય છે તે વાતનું દુઃખ છે.