અમદાવાદ, તા.ર૮
૨૦૧૭માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા પાટીદાર આંદોલનના રેશ્મા પટેલ રૂપાણી સરકાર સામે આકરા આક્ષેપ કર્યા છે. રેશ્મા પટેલે કહ્યું હતું કે, ભાજપ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વાત કરી રહી છે એવા જ કામથી પ્રેરાઈને ભાજપનો આ ખેસ ધારણ કર્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીતાડવામાં તમામ પ્રયાસો પણ કર્યા. લોકોના પડતર પ્રશ્નોનું સમાધાન થશે અને ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનમાંથી અમે આવ્યા છે તે પાટીદાર સમાજની માગણીઓનું સમાધાન થશે તેવી લાગણી અમને ચોક્કસ હતી. પરંતુ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપે વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે. જૂઠ અને ભ્રમની રાજનીતિ ભાજપ કરી રહી છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવર્ગ હોય દરેકના માથા પર માત્ર વોટબેંકની રાજનીતિ થઈ રહી છે.
રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, હું ઘણી માગણીઓ લઈને સરકાર સામે પત્ર અને મૌખિક રજૂઆત કરી રહી છું પણ તેમાં લાંબા સમયથી કોઈ સકારાત્મક પરિણામ નથી. મેં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જેના મુખ્ય પાંચ મુદ્દાઓમાં સૌથી મહત્ત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને સરકારી નોકરી મળે પણ તેમાં સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વયમર્યાદા ૩૫થી વધારીને ૪૦ વર્ષ કરવામાં આવે, સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા બિન અનામત ઉમેદવારો પાસેથી પણ ફીના પૈસા ન લેવા આવે જેવી માગણીઓ પણ સરકાર સામે વારંવાર કરવામાં આવી છે. બિન અનામત આયોગ અને નિગમની રચના થઈ ગઈ છે પરંતુ તેમાં પણ ત્રુટીઓ છે. સિસ્ટમ હજુ વ્યવસ્થિત નથી. રેશ્મા પટેલને સરકાર તરફથી મળેલા વળતા પત્ર વિશે જણાવ્યું કે, આ બધી માગણીઓના ઉકેલને બદલે મને પત્ર મળે છે કે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્રમાં મેં આંદોલનની ચિમકી આપી છે તો હું આવું પગલું ન ભરૂં તે માટે કહેવામાં આવ્યું છે કે અરજદાર આંદોલનનું પગલું ન ભરે તે માટે સમજ આપવી, એટલે મારે પોલીસ સમક્ષ જવાબ આપવો પડ્યો છે. આ જવાબથી હું ખૂબ જ નારાજ છું. મને આંદોલન ન કરૂં તેવી સલાહ ન આપો. ભાજપનો આ ખેસ પણ આંદોલનનો અધિકાર ન છીનવી શકે. મુદ્દાઓનો ઉકેલ આપવાને બદલે મને આવા પ્રકારની સલાહ આપવામાં આવે છે. રેશ્મા પટેલે વધુમાં કહ્યું કે, ૨૦૧૭ વિધાનસભામાં જીત મેળવવા માટે ભાજપે ખોખલા વાયદાઓ કર્યા. સરકારશ્રી આ માગણીને જલદીથી ઉકેલ નહીં લાવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો ખેસ પહેરીને અમે ગામે-ગામ જઈને ભાજપનો સાચો ચહેરો ઉજાગર કરીશું. ભાજપની નીતિ અને વચનોના વિરોધમાં પ્રચાર કરીશું.