અમદાવાદ,તા.ર
ભાજપથી છેડો ફાડી રેશમા પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી રેશમા પટેલ એનસીપીમાં જોડાઈને તેની ટિકિટથી ચૂંટણી લડશે. તેવી અટકળો વહેતી થઈ હતી. આ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કેમ કે રેશમા પટેલે મંગળવારે સત્તાવાર એનસીપીનો ખેસ ધારણ કરી લીધો છે તેમજ હવે તેઓ માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ઝંપલાવશે. પ્રાપ્ત વિગતો મુજબ ભાજપમાં જોડાયા બાદ રેશમા પટેલને પ્રજા કામો થતા ન હોવાની વાત મુકીને ભાજપનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ થોડા સમય પહેલા જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ રેશમા પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે રેશમા કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે નક્કી ન હતું. પરંતુ એનસીપીની ટિકિટથી ચૂંટણી લડશે તેવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ એનસીપીએ તેમને પોરબંદરની બેઠક માટે ટિકિટ ન આપતા રેશમા પટેલે તા.૧ એપ્રિલે લોકસભાની પોરબંદર બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ તા.ર એપ્રિલના રોજ રેશમા પટેલ એનસીપીના અમદાવાદના કાર્યાલય ખાતે એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીના હસ્તે ખેસ પહેરી એનસીપીમાં જોડાયા હતા. ત્યારે હવે એનસીપીએ રેશમા પટેલને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં લડવાની ટિકિટ આપી છે. એટલે હવે રેશમા પટેલ પોરબંદરથી અપક્ષ ઉમેદવારી પર લોકસભા અને માણાવદરથી વિધાનસભામાં એનસીપીમાંથી ચૂંટણી લડશે. એનસીપીમાં જોડાયા બાદ રેશમા પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ મને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી લડવાનો મોકો આપી મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું એ બદલ હું પાર્ટીના સુપ્રીમો શરદ પવાર તથા પ્રફુલ પટેલ, જયંત બોસ્કી, શંકરસિંહ વાઘેલા અને પાર્ટીની મહિલા પાંખ, યુવા પાંખ અને કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું અને લોકહીતમાં સફળતાપૂર્વક કામ કરતી રહુ એ દિશામાં હંમેશા કાર્યરત રહીશ એમ રેશમા પટેલે જણાવ્યું હતું.