(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૮
કંટ્રોલની દુકાનો પર રાશનનો જથ્થો લેવામાં આધારકાર્ડ ફરજિયાત પણે માંગવામાં આવતા અને આધારકાર્ડ ન આપતા લાભાર્થીઓને રાશન આપવામાં આવતું નહીં હોવાને લઈને ગ્રામજનો દ્વારા પાટણ જિલ્લા પુરવઠા અધિકારીને ઉદ્દેશીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
સિદ્ધપુર તાલુકાના સિરાજ અહેમદ કડીવાલા દ્વારા ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકના પરિપત્રને જોડીને રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ૩૧ ડિસેમ્બર-ર૦૧૭ સુધી આધારકાર્ડ ફરજિયાત રીતે માંગવા પર રોક લગાવવામાં આવી છે. તેમજ ગાંધીનગરના પરિપત્રમાં પણ કોઈપણ લાભાર્થી આધારકાર્ડને લઈ તેના લાભથી વંચિત રહી ના જાય તે જોવા તાકીદ કરાઈ છે. છતાં કેટલીક રેશનિંગની દુકાનો પર આધારકાર્ડ વિના રાશન નહીં આપીને લાભાર્થીને તેના જથ્થાથી વંચિત રખાતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે અલગ અલગ વિભાગમાં લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાતા નહીં હોવાનું જણાવી નાયબ સચિવની મૌખિક રજૂઆતમાં પણ એમના કહેવા અનુસાર જો સોફ્ટવેરમાં આધારકાર્ડની ફરજિયાત માગણી કરે તો મેન્યુઅલ રીતે રાશન આપવા કહેવામાં આવ્યું છે જેનો અમલ થાય તેવી રજૂઆતકર્તાઓ દ્વારા માગણી કરવામાં આવી હતી.