(એજન્સી) નવી દિલ્હી, તા.૪
મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવેલી નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નીટનું પરિણામ cbseneet.nic.in and cbseresults.nic.in પર જોઈ શકાય છે. ચાલુ વર્ષે ૬ મેના રોજ લેવામાં આવેલી નીટની પરીક્ષામાં ૧૩ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. NEET પરીક્ષા MBBS/BDSમાં એડમિશન માટે સીબીએસઇ પરીક્ષાઓ કરાવે છે. નીટનું રિઝલ્ટ ૫ જૂન, ૨૦૧૮ના રોજ આવવાનું હતું પરંતુ એક દિવસ પહેલાં જ રિઝલ્ટ જાહેર થઇ ગયું છે. મેડિકલ માટે નીટ ૨૦૧૮ની એન્ટ્રન્સ એક્ઝામ ૬ મેના રોજ લેવામાં આવી હતી. દેશભરમાં તેના ૨૨૫૫ સેન્ટર હતા. આ વર્ષે NEETની પરીક્ષામાં ૧૩,૨૬,૭૨૫ વિદ્યાર્થીઓએ હિસ્સો લીધો, જેમાં ૭,૪૬,૦૭૬ ફીમેલ અને ૫,૮૦,૬૨૮ પુરૂષ ઉમેદવારો હતા. આ ઉપરાંત એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારે પણ NEETની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા માટે દેશભરના ૧૩૬ શહેરોમાં ૨૨૨૫ એક્ઝામ સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા. પરીક્ષામાં કલ્પના કુમારીએ ૯૯.૯૯ પર્સેન્ટાઈલ સાથે ટોપ કર્યું છે કલ્પનાએ ફિઝિક્સમાં ૧૮૦માંથી ૧૭૧, કેમેસ્ટ્રીમાં ૧૮૦માંથી ૧૬૦, બાયોલોજીમાં ૩૬૦માંથી ૩૬૦ ગુણ મેળવ્યા છે. કલ્પનાએ ૭૨૦માંથી ૬૯૧ ગુણ મેળવ્યા છે. આ વખતે નીટમાં બિનઅનામત વિદ્યાર્થીઓ માટે ૧૧૯ કટ ઓફ છે જે ગત વર્ષે ૧૩૧ કટ ઓફ હતું. જ્યારે એસટી, એસસી, ઓબીસી વિદ્યાર્થીઓ માટે કટ ઓફ ૯૬ છે જે ગત વખતે ૧૦૭ હતા. મહત્ત્વનું છે કે, નીટનું પરિણામ જાહેર ન કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈપણ પ્રકારની દખલ દેવાનો ઇનકાર કર્યો હતો.