(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૫
તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદે રીતે થયેલ રેતી ખનન અને વહનને લઈ ખાણ ખનિજ વિભાગે છ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. જેમાં ૧,૨૦,૮૨૯ મેટ્રીક ટન (પોણા ત્રણ કરોડ) રેતી ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. તળાજા પંથકમાં શેત્રુંજી નદીમાંથી થતાં ખનનને લઈ ભારે ચકચાર જાગી છે. જેમાં ગોરખીના ગ્રામ જનો દ્વારા દાખવવામાં આવેલ ઉગ્ર મિજાજને લઈ નિંદ્રાધીન ખાણ ખનિજ વિભાગ હરકતમાં આવેલ અને બે દિવસ પહેલાં જ્યાં લીઝ આપવામાં આવેલ નથી તે વિસ્તારમાં થયેલ ખનન અને વહનને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે બાબતે ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઈન્સપેક્ટર અશ્વિનકુમાર ગણપતભાઈ (ફડ-ભાવનગર) દ્વારા આજે તળાજા પોલીસ મથકમાં ગત તા.૩૦-૫-૧૮ પહેલાના કોઈપણ સમયે શેત્રુંજી નદીના પટમાંથી મથુર મેઘજીભાઈ ગમારા (રે.ગોરખી), નાથાભાઈ ભરવાડ (રે.દાત્રડ), ગણેશભાઈ ભરવાડ (રે.દાત્રડ), ગજાનંદ ઉર્ફે ભરત ભરવાડ (રે.તળાજા), લાલજીભાઈ ભરવાડ (રે. સાંજણાસર), બીજલભાઈ ભરવાડ (રે. તળાજા) વાળા સાદી રેતી ૧૨૦૮૨૯ મેટ્રીક ટન ખનન કરી, વહન કરી લઈ ગયેલ છે. જેની કિંમત રૂપિયા બે કરોડ નેવ્યાશી લાખ અઠ્ઠાણું હજાર નવસો સાઈઠ (૨,૮૯,૯૮,૯૬૦/-) અંદાજવામાં આવી છે. તળાજા પોલીસે છ શખ્સો વિરૂદ્ધ રેતી ચોરીનો ગુનો નોંધી તપાસ બીટ જમાદાર સવજીભાઈ બોરીચા ચલાવી રહ્યા છે.