(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૫
જોડિયાના બાદનપર પાસેથી ઉંડ નદીમાંથી રોયલ્ટી ભર્યા વગર રેતી ઉપાડી જતાં ત્રણ શખ્સોને આરઆર સેલે પકડી પાડયા છે. જોડિયા તાલુકાના બાદનપર પાસે આવેલી ઉંડ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ઉપાડાતી હોવાની અવારનવાર બૂમ ઉઠી છે તે દરમ્યાન ગઈકાલે રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલે વોચ ગોઠવી હતી તે દરમિયાન ત્યાંથી ટ્રેકટરમાં રેતી ભરીને પસાર થતા અમરશી આંબાભાઈ ભીમાણી, પ્રવિણ સોમાભાઈ ખરાડી, અભુ મનાભાઈ આદિવાસી નામના ત્રણ શખસોને રોકાવી આરઆર સેલે ચકાસણી કરતા આ શખ્સો ટ્રેકટરમાં લોડર વડે રોયલ્ટી ભર્યા વગરની રેતી ચોરી જતાં હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સો સામે હે.કો. ચંદ્રવિજયસિંહ ઝાલાએ જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૃા.૧૨,૦૧,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.