પાવીજેતપુર, તા.૧૨
ઓરસંગ નદીમાં દરરોજ ચોવીસ કલાક રેતીખનન ચાલી રહ્યું છે. જેમાં કેટલાક રેત માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીખનન કરી રહ્યા છે. જેની સામે રતનપુર હીરપરીના ગ્રામજનોએ રાત્રી દરમિયાન ચાલતા રેતી ખનન પર હલ્લાબોલ કર્યું હતું અને ખાણ-ખનિજ વિભાગને તથા પાવીજેતપુર મામલતદારને સ્થળ પર બોલાવીને ૧૧ ટ્રક અને ૧ હિટાચી મશીન ઝડપી પાડ્યું હતું. હાલમાં જિલ્લામાં નવું રેતી ખનનનું સ્થળ શિહોદની આસપાસ મોટી રાસલી ખાતે જોવા મળી રહ્યું છે જ્યાંથી કાયદેસરની લીઝોની નજીકથી જ રેતી માફિયાઓ રાત્રી દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રહ્યા છે. જેની જાણ રતનપુર હીરપરીના ગ્રામજનોને થતાં ગઈકાલે મોડીસાંજે મોટી રાસલી ખાતેની ઓરસંગ નદીમાં પહોંચી ગયા હતા અને અંધારામાં રેતી ખનન કરી રહેલા રેત માફિયાઓને ઝડપી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રેત માફિયાઓ દૂર રહીને માણસો દ્વારા જ ધંધો કરતા હોવાથી એક પણ રેત માફિયા ફરકયા ન હતા અને રેતી ભરવા આવેલી ૧૧ ટ્રકો ૧ હિટાચી મશીન ગ્રામજનોને હાથ લાગ્યું હતું એટલે ગ્રામજનોએ પાવીજેતપુર માલમદારને અને જિલ્લા ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓને જાણ કરતા થોડીવારમાં જ મોટી રાસલી ખાતે પહોંચી ગયા હતા અને ત્યાંથી ૧૧ ટ્રકો અને ૧ હિટાચી મશીન ઝડપીને તાલુકા પંચાયત ખાતે લઈ ગયા હતા. મોટી રાસલી ખાતેથી ૧૧ ટ્રકો ઝડપીને ટ્રકોને લઈ જવાની હતી ત્યારે ટ્રકોના ડ્રાઈવર ટ્રકો મૂકીને ફરાર થઈ ગયા હતા એટલે ખાણ-ખનિજના અધિકારીઓએ કેટલીક ગાડીઓના સ્ટીયરિંગ લોક ખોલીને ચાલુ કરી હતી અને પોતાના માણસો દ્વારા તાલુકા પંચાયત ખાતે લઈ ગયા હતા.