ખોલવડ, તા.ર૮
કામરેજના ભૈરવમાં ગ્રામજનોની સજાગતાને લઈને રેતીખનન શરૂ થાય તે પહેલા જ ભુસ્તર શાસ્ત્રીને બોલાવી પકડાવી દેતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પકડાયેલાઓએ સારસામાન કરજણ લીઝની હોવાનું જણાવી પંચાયતના અગ્રણીઓએ ભૂસ્તર શાસ્ત્રીની રૂબરૂમાં લખાણ કરી મામલો ઠારે પડાયો હતો
આંબોલીમાં ચાલતું હોવાની ગંધ આવતા હવે ભૈરવમાં પણ રેતી માફિયાઓએ દાવપેચ શરૂ કર્યા હતા. ગતરાત્રિના હીટાચી, મોટી બોટ, નાની બોટ વગેરે તાપી નદીમાં ઉતરી હોવાની જાણ થતાં સરપંચપતિ રાજુભાઈ પટેલ રાત્રીના જ નદીમાં ધસી ગયા હતા અને સરસામાનમાં ફોટા પાડી તુરંત ભુસ્તરશાસ્ત્રી ટી.જે. પટેલને જાણ કરી હતી. ભૂસ્તરશાસ્ત્રી સવારના દસેકના સુમારે જ સુપરવાઈઝર કાછડિયાના સથવારે ભૈરવ દોડી આવ્યા હતા. ભૂસ્તર શાસ્ત્રીની ગાડીની ખબર કામરેજ પંથકમાં પ્રસરતા ગેરકાયદેસર રીતે ખનન કરનારા નવ દો ગ્યારહ થઈ ગયા હતા. ઘણ, દિગસ, આંબોલી, ડુંગરામાં સમાચારો વાયુવેગે પ્રસરી ગયા હતા. બીજી તરફ ભૈરવમાં ગ્રામપંચાયતમાં ગ્રામ અગ્રણીઓ સરપંચ પતિ રાજુભાઈ પટેલ, સદસ્ય અશ્વિન પટેલ, મહેશ પટેલ તથા અન્યોની હાજરીમાં પકડાયેલા ઈસમો પાસેથી માહિતી મેળવી હતી જેમાં બે મોટી, પાંચ નાની અને એક હીટાચી હતું જેના માલિકોના નામ સુરેશભાઈ આહીર (કામરેજ) અશ્વિન હરીફભાઈ બાવીસી (કામરેજ) અને હીટાચીના માલિક ઘાસિયા મનુભાઈ કનુભા હોવાનું જણાવ્યું હતું. હીટાચી જેસીબીનો નંબર જીજે ૧૯ ૪રપ૩ હતો અને એક હોન્ડા મોટર સાયકલ પણ હતી. જેનો નંબર જીજે ૧૯ જે ૭૪પર હતો. ભૂસ્તરશાસ્ત્રીએ પૂછપરછ કરતા પકડાયેલા ઈસમોએ તેમના બચાવમાં કરજણની લીઝમાં રસ્તાના પ્રશ્ને નિકાલ ન થતા રેતી ધોરણ પારડી ગામમાંથી કાઢવાની હોય તેના કારણે હાલમાં નાવડા ભૈરવ પાસે લાવ્યા હતા. અગ્રણીઓએ વાતચીત બાદ આ સાધનો ત્યાંથી ખસેડી લઈ ભવિષ્યમાં આવી સાધન સામગ્રી ન લાવવાની શરતે સમાધાન કરી લેખિત નિવેદન લઈ મામલો ઠારે પાડવામાં આવ્યો હતો.