સુરત,તા.ર૬
છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં તાપી નદીમાંથી ગેરકાયદે રેતી ખનનની વ્યાપક ફરિયાદો થઈ રહી છે. થોડા દિવસોથી હજીરા, વેડ-ડભોલી, વરિવાય, સરથાણા તેમજ જિલ્લામાં આવેલા આંબોલી, ગાયપગલા, ડુંગરા, ઘલા વિસ્તારની અંદર ખુબ જ વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. તેમ સુરત યુથ કોંગ્રેસના પ્રદીપ સિંઘવે જણાવ્યું છે.
આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર ભુસ્તર ખાતાના અધિકારીને ટેલીફોનિક, લેખિત ફરિયાદો કરવામાં આવી છે. આમ છતાં કોઈ કાર્યવાહી થઈ હોય તેવું જણાતું નથી. આવી વ્યાપક ફરિયાદો હોવા છતાં અધિકારી અને રેતી માફિયાઓની મીલીભગત દેખાય છે. લોકો દ્વારા જ્યારે ટેલીફોનિક ફરિયાદો કરી ગેરકાયદેસર રેતી ખનનની જાણ કરવામાં આવે છે. ત્યારે ભુસ્તર ખાતામાં નોકરી કરતા અધિકારી દ્વારા જ રેતી માફિયાઓને જાણ કરી દેવામાં આવે છે. જેને કારણે ફરિયાદ કરનારાઓમાં ડર અને ભયનો માહોલ વ્યાપી ચુક્યો છે. જેના પગલે યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
જાણવા જેવી બાબત તો એ છે કે મગનભાઈ પટેલ જે લીઝ હોલ્ડર છે. તેમનું અવસાન તા.૧/૯/૧૦ના રોજ થયેલ છે. આમ છતાં પણ તેઓના નામની સરકારમાં રોયલ્ટી પણ ભરાય છે. તેઓના લીઝના પ્લેટફોર્મોનો ગેરકાયદેસર રેતી ખનન કરવા માટે રેત માફિયાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ પાછળ ભુસ્તર ખાતા દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. તેવી માગણી કરી છે.
આવનાર દિવસોમાં તાપી નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન તેમજ ફાયબર બોટ દ્વારા ચાલતું ખનન અટકાવવામાં નહીં આવે તો સુરત યુવક કોંગ્રેસ દ્વારા આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે.