અમરેલી,તા.૧૦
હાલ અમરેલી જિલ્લામાં રેતીની લીઝ આપવાની કામગીરી બંધ હોવાને લીધે મજૂરો, ગરીબો અને અમરેલીની જનતાને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ અમરેલી જિલ્લામાં બ્લોક સિસ્ટમ અથવા હરરાજીથી રેતી ઉપાડવાની તાત્કાલિક મંજૂરી આપવા બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરેલ છે.
સાંસદે કરેલ રજૂઆત મુજબ હાલ અમરેલી જિલ્લામાં રેતીની લીઝ બંધ હોવાને લીધે દરેક સરકારી કામકાજો તેમજ પ્રાઈવેટ મકાનના બાંધકામો બંધ પડેલ છે. જેના લીધે મજૂર અને કડિયા કામ કરતો વર્ગ બેરોજગાર બનેલ છે. લોકોના મકાનના કામો અધુરા પડેલ છે. જો સમયસર રેતી નહીં મળે તો સરકાર ટાઈમ લીમીટમાં પૂર્ણ થશે નહીં અને જેની સીધી જ અસર અમરેલી જિલ્લાના વિકાસ ઉપર પડશે.
સાંસદે વધુમાં રજૂઆત કરતા જણાવેલ કે, અમરેલી જિલ્લામાં પહેલાં એક ટ્રેક્ટર રેતીના રૂા.૧૦૦૦/- અને એક ડમ્પરના રૂા.૩૦૦૦/- હતા. જેના આજે ક્રમશઃ રૂા.૭૦૦૦/- તથા રૂા.ર૦,૦૦૦/- લેવામાં આવી રહ્યા છે. એટલે કે રાત્રીના સમયે રેતીની કાળા બજારી થઈ રહી છે. જેની સીધી જ અસર સરકારી કામકાજો તથા ગરીબો ઉપર પડી રહી છે. ગત વર્ષથી દરેક જિલ્લામાં રોયલ્ટી પેટ ખાણ ખનીજ વિભાગ પાસે આવેલ રકમના પ ટકા રકમ તે જ જિલ્લામાં ડી.એમ.એફ. યોજના અંતર્ગત ફાળવવામાં આવે છે. આ યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં ગત વર્ષ ર૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવેલ અને આ વર્ષે ફક્ત ૧ર કરોડ રૂપિયાની જ ગ્રાન્ટ આવેલ છે. તો વળી આગામી વર્ષમાં અમરેલી જિલ્લામાં ડી.એમ.એફ. યોજના અંતર્ગત ગ્રાન્ટ જ નહીં આવે !