(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સુરત જિલ્લાના મહુવા તાલુકાના સેવાસણ ગામની નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા સાત ઈસમો સામે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ગુજરાત મીનરલ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના ભુસ્તર અને ખાણ ખનીજ ખાતામાં ફરજ બજાવતા એહસાનઅલી સેલીયાએ મહુવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મહુવા તાલુકાના સેવાસણ ગામની પૂર્ણા નદીમાંથી નવસારી જિલ્લાના શમલા મોરા ગામના હેમંતભાઈ કનુભાઈ ઓડ ટ્રક નંબર જીજે-૧૬-એક્સ-૯૧૮૦ના ચાલક જગદીશભાઈ ઓડ, સાત યાંત્રીક હોડીના ઓપરેટરો મુકેશભાઈ, પ્રવિણભાઈ, નટુભાઈ તથા અર્જુનભાઈ નામના ઈસમો વગર પાસ પરમીટે તથા લીઝની પરમીટ મેળવયા વિના ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ખાણખનીજ વિભાગના હાથો ઝડપાઈ ગયા હતા. મહુવા પોલીસ મથકમાં ભૂસ્તર વિભાગના એક અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.