કોલકાત્તા, તા.૯
રણજી ટ્રોફીમાં મણિપુરના યુવાન બૉલર રેક્સ સિંહએ ફરી તરખાટ મચાવ્યો છે. કોલકત્તામાં રમાઈ રહેલી મણિપુર વિરુદ્ધ મિઝોરમની મેચમાં ૧૯ વર્ષના રેક્સની ઘાતક બૉલિંગે હરીફ ટીમને એક કલાકમાં ઘરભેગી કરી દીધી હતી. રેક્સની ધારદાર સ્વિંગ બૉલિંગના કારણે મિઝોરમની ટીમ માત્ર ૬૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રેક્સે એક કલાકમાં મિઝોરમના આઠ બેટ્‌સમેનને આઉટ કરી આખી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.
આ મેચમાં મિઝોરમે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ રેક્સની ઘાતક બૉલિંગ સામે મિઝોરમના એક પણ બેટ્‌સમેન પીચ પર ટકી શક્યાં નહોતા. એક કલાકમાં આઠ વિકેટ લેનારા આ બૉલરની બૉલિંગ સામે મિઝોરમના વન ડાઉન બેટ્‌સમેન તરૂવર કોહલીએ ૩૪ રનનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. ટીમની આખી ઇનિંગમાં ૯ બેટ્‌સમેન બે આંકડાનો સ્કોર નોંધાવી સક્યા નહોતા જ્યારે ૭ બેટ્‌સમેન તો ડકમાં પેવેલિયન ભેગા થઈ હતા.
રેક્સ સિંહની બૉલિંગની ઘાતકતાનો અંદાજો તેની એક જ ઓવર પરથી મળી જાય છે. રેક્સની એક ઓવરમાં માત્ર ચાર બૉલમાં ત્રણ વિકેટ પડી હતી. આ જ ઓવરમાં તેણે વધુ એક વિકેટ લીધી હતી.