મેલબર્ન,તા.૩૦
સોમવારે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને દાયકાની ઓલ સ્ટાર ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તેની ટીમમાં ઇંગ્લેન્ડનાં ચાર ખેલાડીઓ છે. પોન્ટિંગનાં ગત દસ વર્ષનાં પ્રદર્શન પર આધાર રાખી તૈયાર કરવામા આવેલ ટીમમાં કોહલી સિવાય કોઇ અન્ય ભારતીય સામેલ નથી. કોહલી હાલમાં આઇસીસી ટેસ્ટ અને વનડે બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે.પોન્ટિંગની ટીમમાં સ્થાન મેળવનારા ઈંગ્લેન્ડનાં ખેલાડીઓમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, ઓપનર એલિસ્ટર કૂક અને ફાસ્ટ બોલરો સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં તેણે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર અને સ્પિનર ??નાથન લિયોનને પોતાની ટીમમાં સ્થાન આપ્યુ છે. પોન્ટિંગે તેના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું, દરેક દાયકાની પોતાની ટીમની પસંદગી કરી રહ્યુ છે તો મે પણ વિચાર્યુ કે મારે પણ આ રમતમાં જોડાવવું જોઇએ.
તેમણે આગળ લખ્યું, છેલ્લા દાયકાની મારી ટેસ્ટ ટીમ આ પ્રકારની છેઃ ડેવિડ વોર્નર, એલિસ્ટર કૂક, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી (કેપ્ટન), કુમાર સંગાકારા (વિકેટકીપર), બેન સ્ટોક્સ, ડેલ સ્ટેન, નાથન લિયોન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.
કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી ૭૦ સદી ફટકારી છે અને તે હવે સચિન તેંડુલકર (૧૦૦) અને પોન્ટિંગ (૭૧) થી જ પાછળ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર વેબસાઇટમાં પણ કોહલીને તેમની દાયકાની ટેસ્ટ ઇલેવનનાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.