હૈદરાબાદ, તા.૨૯

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ દ્વારા સમાન નાગરિક ધારાના વિરુદ્ધમાં લેવાયેલા વલણનું સમર્થન કરતાં દેશભરનાં દલિત અને આદિવાસી સંગઠનોએ ઐતિહાસિક મક્કા મસ્જિદ ખાતે શુક્રવારની નમાઝ બાદ સહી-ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે સી.એલ. યાદગીરી, રામુલુ યાદવ, પ્રો. પ્રવીણ કુમાર, દલિત નેતા જે.બી. રાજુ તથા ચીફ કન્વીનર ફ્રન્ટ સનાઉલ્લાહ ખાન, હયાત હુસૈન, હબીબ, રાશીદ ખાન આઝાદ, શેખ ફાહીમ, ડૉ. મુહમ્મદ નાઝીમ અલી, સુદર્શન, એમ.એ. રાશીદ, મુહમ્મદ વલી અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કોર્પોરેટર તથા કૉંગ્રેસના નેતા મુહમ્મદ ગૌસે મુખ્ય મહેમાન તરીકે આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. સહી-ઝુંબેશનો પ્રારંભ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જે.બી. રાજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના અમલ અંગેના પ્રયાસોનો ઉગ્રતાથી વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, મોદી સરકાર આ સિવિલ કોડના નામે દેશની પ્રજામાં ભાગલા પાડવા માગે છે. ટ્રિપલ તલાક હોય કે બીજો કોઈ મુદ્દો, પણ મુસ્લિમોને જ્યારે પણ કોઈ અન્યાય થશે ત્યારે આ દેશના દલિત અને આદિવાસી નાગરિકો ચૂપ નહીં બેસી રહે.

તેમણે ઉમેર્યું કે, દલિતો અને અનુસૂચિત જનજાતિના નાગરિકો મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને આ બાબતમાં પૂર્ણ સમર્થન આપે છે. મુસ્લિમ નાગરિકોએ આ અંગે ધીરજપૂર્વક સહી-ઝુંબેશ કરીને કરોડો મુસ્લિમોના હસ્તાક્ષરવાળાં આવેદનપત્રો કેન્દ્ર સરકારને મોકલી આપવાં જોઈએ, એમ તેમણે કહ્યું.  જનાબ મુહમ્મદ ગૌસે દલિતો અને આદિવાસીઓ દ્વારા કરાયેલી આ સહી-ઝુંબેશને ધાર્મિક એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી હતી.