(એજન્સી) તા.૧
સ્ટારવોસે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા હોલીવુડ અભિનેતા રિજ અહમદ (રિઝવાન અહમદ)નું માનવું છે કે, હાલના સમયમાં મુસ્લિમ હોવું ખૂબ જ ડરામણું હોય છે. તેમણે કહ્યું હતું કે, એપ્રિલમાં તેમને વંશીય ભેદભાવનો સામનો કરવો પડયો હતો જેને કારણે તે સ્ટારવોસની સફળતા પછી શિકાગોમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહીં. એક અમેરિકન મેગેઝિનના અહેવાલ પ્રમાણે રપ જૂન મંગળવારે રિજે આ નિવેદન આપ્યું હતું. ર૦૧૮માં ખૂબ ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ ‘વેનમ’માં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતાએ કહ્યું હતું કે, અમેરિકાના એક એરપોર્ટ પર તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તે હવાઈ યાત્રા માટે જાય છે ત્યારે તેમને વારંવાર એરપોર્ટ પર રોકવામાં આવે છે અને તેમની જડતી લેવામાં આવે છે. રિઝ અહેમદે કહ્યું હતું કે, અન્ય મુસ્લિમ સેલિબ્રિટીઓની દુર્દશામાં કોઈ ફેર પડયો નથી. તેમણે કહ્યું હતું કે હસન મિનહાઝ પીબોડી જીતી શકે છે. હું એમી એવોર્ડ જીતી શકું છું. ઈબિતહાઝ મોહમ્મદ ઓલિમ્પિકમાં જીતી શકે છે પરંતુ મુસ્લિમ વિરૂદ્ધ વ્યવસ્થિત રીતે વંશીય ભેદભાવનો અવરોધ ઊભો કરવામાં આવ્યો છે અને અમે એકલા તેનો સામનો કરી શકતા નથી. તેમણે કહ્યું હતું કે, હાલના સમયમાં ચૂંટણી જીતવા માટેનો સૌથી સરળ માર્ગ ‘ઈસ્લામોફોબિયા’ છે.