(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
આણંદ શહેરના લાંભવેલ રોડ પર આજથી ૧૫ દિવસ પૂર્વે આંગડિયા પેઢીના પિતા પુત્ર પાસેથી રૂ ૪૫ લાખની રોકડ રકમની લૂંટ ચલાવવાની ઘટનામાં આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડેલ પાંચ લૂંટારાઓને શુક્રવારે અદાલતમાં રજુ કરતા કોર્ટે પાંચેય લૂંટારાઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આણંદ શહેરમાં વિ.પટેલ આંગડિયા પેઢીની જુના રામજી મંદિર ખાતે ઓફિસ ધરાવતા અને લાંભવેલ માનસી ટેનામેન્ટમાં રહેતા તુલસીદાસ ઠક્કર પોતાના મોટા દીકરા અમિત સાથે રોકડ રકમ રૂ ૪૫ લાખ લઈને જતા હતા. ત્યારે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક પેટ્રોલ પંપ સામે બાઇક સવાર બે અજાણ્યા શખ્સોએ બાઈકની ટાંકી ઉપર મુકેલ રોકડ રકમ રૂ ૪૫ લાખની લૂંટ ચલાવ્યાની ઘટના બની હતીબનાવના ગણતરીના ૧૪ દિવસોમાં આણંદ એલસીબી પીઆઇ આર.એન.વિરાણી તેમજ ટીમના માણસોએ લૂંટમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સનત ઉર્ફે પીન્ટુ સંતોષકુમાર જૈન, મુજાહિદ ઉર્ફે સોનુ સલીમખાન સોનુ ઉર્ફે ભીમ પુરુષોત્તમ ઝાક, બાલુજી ઉર્ફે ગલો રમણભાઈ સોલંકી અને નારાયણ ઉર્ફે જગો વિષ્ણુભાઈ રાવળને ગુરુવારે ઝડપી પાડયા હતા.પોલીસે ઝડપાયેલા આ લૂંટારું ટોળકી પાસેથી લુંટમાં ગયેલ રોકડ રકમ રૂ ૪૫ લાખ પૈકીના ૨૯ લાખ ૨૫ હજાર ઉપરાંત એક પિસ્તલ, કાર્ટીઝ, લુંટમાં વપરાયેલ પલ્સર બાઈક, એક સેવરોલેટ કાર, ત્રણ ધારદાર છરા, લુંટની રકમમાંથી ખરીદેલ એકટીવા વાહન ઉપરાંત સોનાની ચેઈન સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આણંદ એલસીબી પોલીસે શુક્રવારે સાંજના અરસામાં પાંચેય લૂંટારાઓને આણંદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા આણંદ ગ્રામ્ય પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.