(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સુરત સહિત સમગ્ર દેશ-દુનિયાના ચકચારીત બિટકનેક્ટ કોઈન પ્રકરણમાં સંકળાયેલા આરોપી દિવ્યેશ દરજીના ૨૮મી ઓગસ્ટ સુધીના રિમાંડ પુરા થતા બપોર પછી તેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, સીઆઈડી ક્રાઈમે આરોપીના વધુ છ દિવસના રિમાંડની માગણી કરી હતી.જેને ડિસ્ટ્રીક્ટ કોર્ટે નામંજુર કર્યા હતા. બિટકનેક્ટ કોઈન લોન્ચ કરી લોકો પાસેથી અબજો રૂપિયા મેળવી લોકો સાથે વિશ્વાસઘાત કરવાના કિસ્સામાં સંકળાયેલા આરોપી દિવ્યેશ દરજી ઓક્ટોબર ૨૦૧૭થી દુબઈ રહેવા માટે જતો રહ્યો હતો. બિટ કનેક્ટમાં કરોડો રૂપિયા આવી રહ્યા હોવાનું ખ્યાલ આવતા તેણે દુબઈમાં એક કોઈન લોન્ચ કર્યો હતો. કોઈનમાં પણ લોકોએ કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. સીઆઈડી ક્રાઈમ આરોપી દિવ્યેશ દરજીની દિકરી એરપોર્ટથી ધરપકડ કોર્ટમાં રજૂ કરી ૯ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાંડ મંગળવારના રોજ પુરા થતા તેને કોર્ટમાં રજૂ કરી વધુ છ દિવસના રિમાંડની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જાકે, ૯ દિવસના રિમાંડ દરમ્યાન પોલીસને કોઈ ફળદાયી હકીકત જાણવા મળી નથી. જો કે, અન્ય આરોપી સતીષ કુંભાણીને પકડી પાડવા માટે સીઆઈડી ક્રાઈમે લૂક આઉટ નોટીસ પણ કાઢી દરેક એરપોર્ટ પર મોકલી આપી છે.જોકે નામદાર ડિસ્ટ્રીક્ટ કોર્ટે આજે વધુ રિમાન્ડ નામંજુર કર્યા હતા.